મેટ્રો-થ્રીમાં ઑક્ટોબરમાં ૩૮ લાખ ૬૩ હજાર પ્રવાસીઓએ પ્રવાસ કર્યો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કફ પરેડ-બાન્દ્રા-સીપ્ઝ-આરે વચ્ચે અંડરગ્રાઉન્ડ મેટ્રો (એક્વા લાઈન) રેલ તેની પૂર્ણ ક્ષમતા સાથે દોડવાની શરૂ થઈ એ સાથે જ મુંબઈગરા તરફથી તેનો સારો પ્રતિસાદ મળ્યો છે. ઓક્ટોબર મહિનામાં આ રૂટ પર ૩૮,૬૩,૭૪૧ મુંબઈગરાએ આ મેટ્રો રૂટ પર પ્રવાસ કર્યો હતો. આ રૂટ પર દરરોજ સરેરાશ ૧,૪૧,૦૨૪ લોકો મેટ્રોમાં પ્રવાસ કરી રહ્યા છે.
મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો આરેથી કફ પરેડ વચ્ચે દોડે છે. ૩૩.૫૬ કિલોમીટર લંબાઈના આ રૂટ પર પહેલા તબક્કામાં આરે અને બીકેસી વચ્ચે ઓક્ટોબર, ૨૦૨૪માં મેટ્રો શરૂ થઈ હતી. બીજા તબક્કામાં મે, ૨૦૨૫થી બીકેસીથી આચાર્ય અત્રે ચોક વચ્ચે મેટ્રો શરૂ થઈ હતી. પહેલા તબક્કામાં મેટ્રો શરૂ થઈ ત્યારે આ રૂટ પર દરરોજ માંડ ૧૯,૦૦૦ લોકો પ્રવાસ કરતા હતા.
એ બાદ બીજા તબક્કામાં મેટ્રો શરૂ થઈ ત્યારે પ્રવાસીની સંખ્યામાં વધારો થઈને આ આંકડો ૭૦,૦૦૦ સુધી પહોંચી ગયો હતો. આ રૂટ પર મુંબઈગરાનો મોળો પ્રતિસાદ મળ્યો હતો. જોકે ત્રીજા તબક્કામાં આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ વચ્ચે નવ ઑક્ટોબરથી મેટ્રો શરૂ થવાની સાથે જ પ્રવાસીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો હતો.
કફ પરેડથી આરે વચ્ચે સંપૂર્ણ રૂટ પર મેટ્રો શરૂ થવાની સાથે જ પ્રવાસીઓની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો હતો. મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશનના જણાવ્યા મુજબ દૈનિક સ્તરે દરરોજ સરેરાશ આ રૂટ પર દોઢેક લાખ લોકો પ્રવાસ કરે છે. ધીમે ધીમે આ રૂટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને આપેલા આંકડા મુજબ આખા ઓક્ટોબર મહિનામાં આ રૂટ પર ૩૮,૬૩,૭૪૧ લોકો પ્રવાસ કર્યો હતો. તો નવ ઓક્ટોબરથી ત્રીજા તબક્કામાં મેટ્રો શરૂ થવાની સાથે જ નવ ઓક્ટોબરથી ૩૧ ઑક્ટોબર સુધીના સમયગાળામાં ૩૩,૩૩,૬૮૪ લોકોએ મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો. સોમવારથી શુક્રવાર દરમ્યાન આ રૂટ પર દૈનિક સ્તરે ૧,૪૧,૦૨૪ લોકો પ્રવાસ કરે છે. અત્યાર સુધી ઓક્ટોબરમાં એક જ દિવસમાં સૌથી વધુ પ્રવાસીની સંખ્યા ૧,૮૨,૪૬૧ રહી છે.



