આમચી મુંબઈ

ઇન્ડિયન નેવીએ પકડેલા ૩૫ ચાંચિયાઓને મુંબઈ લવાયા

અરબી સમુદ્રમાં દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું નૌકાદળે

મુંબઈ: અત્યંત મુશ્કેલ એવું એન્ટી પાયરસી ઓપરેશન પાર પાડી અપહરણ કરાયેલા બલ્ગેરીયા દેશના જહાજ એક્સ રુએનને મુક્ત કરાવનાર ઇન્ડિયન નેવી(ભારતીય નૌકાદળ) દ્વારા ૩૫ સોમાલિયન ચાંચિયાઓને તાબામાં લેવામાં આવ્યા હતા. શનિવારે આ તમામ ચાંચિયાઓને મુંબઈ લાવવામાં આવ્યા હતા. ચાંચિયાઓએ અપહરણ કરેલા જહાજમાં ૧૭ ક્રૂ મેમ્બર્સને પણ ઇન્ડિયન નેવીના જાબાંઝ જવાનોએ સફળતાપૂર્વક બચાવ્યા હતા. ૧૭ ક્રૂ મેમ્બર્સ અને ૩૫ ચાંચિયાઓને લઇ નેવીનું જહાજ આઇએનએસ કોલકતા શનિવારે મુંબઈ પહોંચ્યું હતું. તાબામાં લેવામાં આવેલા ચાંચિયાઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેમને યલો ગેટ સ્થાનિક પોલીસના હવાલે કરી દેવાયા છે. ૨૪મી તારીખે તેમને અદાલતમાં હાજર કરવામાં આવશે.

ઓપરેશનમાં મરીન કમાન્ડોઝ પણ હતા સામેલ
આઇએનએસ કોલકતા ઉપરથી ઓપરેટ કરી રહેલી ઇન્ડિયન નેવીએ ભારતીય સમુદ્ર કિનારાથી ૨૬૦ નોટીકલ માઇલ્સ(૨,૬૦૦ કિલોમીટર) દૂર પૂર્વમાં અરબી સમુદ્રમાં ડિસેમ્બરમાં અપહરણ કરાયેલા બલ્ગેરીયાના જહાજને ઘેરો ઘાલ્યો હતો. પહેલા તો ચાંચિયાઓએ સમર્પણ કરવાની નેવીની ચેતવણીને માની નહોતી, પરંતુ પછીથી નેવીએ દબાણ વધારતા ચાંચિયાઓએ હાર માની હતી. આ ઓપરેશનમાં ઇન્ડિયન નેવીના અધિકારી, સૈનિકો ઉપરાંત અત્યંત ઘાતક ગણાતી સ્પેશિયલ ફોર્સ એવી મરીન કમાન્ડોની યુનિટ પણ સામેલ હતી.

ભારતીય નેવી ચલાવી રહી છે ‘ઓપરેશન સંકલ્પ’
અરબી સમુદ્ર અને એડનના અખાતમાં ઇન્ડિયન નેવી દ્વારા ઓપરેશન સંકલ્પ ચલાવવામાં આવી રહ્યું છે, જેનું લક્ષ્ય આ સમુદ્રી વિસ્તારમાં વેપારી જહાજોની અવરજવર સુરક્ષિત રીતે થઇ શકે અને ચાંચિયાઓથી તેમને બચાવી શકાય. છેલ્લા અમુક સમયમાં ઇન્ડિયન નેવીએ અનેક પાકિસ્તાની અને અન્ય દેશોના વેપારી જહાજોને બચાવ્યા છે.

ઇન્ડિયન એરફોર્સની પણ મદદ લેવાઇ હતી
૪૦ કલાક સુધી ચાલેલા દિલધડક ઓપરેશન દરમિયાન ચાંચિયાઓએ ઇન્ડિયન નેવીના જહાજ ઉપર ગોળીબાર કર્યો હતો. આ ઓપરેશનમાં મરીન કમાન્ડો જેવી ઘાતક ટુકડી ઉપરાંત આઇએનએસ સુભદ્રા પણ જોડાઇ હતી. એરફોર્સે સી-૧૭નો ઉપયોગ કરીને મરીન કમાન્ડોને ચાંચિયાઓના જહાજ ઉપર ઉતાર્યા હતા. આ ઉપરાંત ડ્રોન તેમ જ, યુએવી અને એર ફોર્સના પી૮૧ એરક્રાફ્ટનો ઉપયોગ પણ સર્વેલિયન્સ માટે કરાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button