કોડીન કફ સિરપની 3,000 બોટલો જપ્ત: ત્રણ જણની ધરપકડ

મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ એક મોટા ઑપરેશનમાં ઉલ્હાસનગરથી કોડીન કફ સિરપની 3,000 બોટલો સાથે ત્રણ જણની ધરપકડ કરીને આંતરરાજ્ય ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો.
આ પણ વાંચો: એન્ટિ નાર્કોટિક્સ સેલનો સપાટો: મુંબઈમાં છ સ્થળેથી રૂ. 2.22 કરોડનું ડ્રગ્સ જપ્ત: 11 જણની ધરપકડ
કોડીન આધારિત કફ સિરપ (સીબીસીએસ)નો મુંબઈમાં નશા માટે સરિયામ ઉપયોગ થઇ રહ્યો છે, એવી માહિતી મળ્યા બાદ એનસીબીના અધિકારીઓએ તપાસ આદરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આંતરરાજ્ય તસ્કરો પરિવહન કરાતા માલોની જગ્યાએ સીબીસીએસની અનધિકૃત રીતે તસ્કરી કરવા માટે અલગ-અલગ પરિવહન સેવાનો ઉપયોગ કરી રહ્યા છે.
અનેક દિવસ સુધી સર્વેલન્સ હાથ ધર્યા બાદ ઉલ્હાસનગરથી ત્રણ જણને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી સીબીસીએસની 3,000 બોટલો જપ્ત કરાઇ હતી, જેની કિંમત રૂ. પંદર લાખ થાય છે. આરોપીઓની ઓળખ એસ.આર. અહમદ, એમ. અસ્લમ અને વાય. ખાન તરીકે થઇ હતી.
આ પણ વાંચો: ડ્રગ ક્રાઇમ અને ટ્રાફિકિંગ સામે લડવા માટે ભારતની પ્રથમ રાષ્ટ્રીય એન્ટી-નાર્કોટિક્સ હેલ્પલાઇન અને પોર્ટલ શરૂ કરાશે
આરોપીઓએ ઉત્તર પ્રદેશના લખનઊથી ડ્રગ મગાવ્યું હતું અને તે ઉલ્હાસનગરમાં પ્રાપ્ત કર્યા બાદ મુંબઈમાં વિવિધ વિસ્તારમાં અનધિકૃત રીતે વિતરણ કરવાની તેમની યોજના હતી. આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને લાંબા સમયથી ડ્રગ્સની તસ્કરીમાં સંડોવાયેલા છે. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાનું એનસીબીના અધિકારીએ જણાવ્યું હતું.