૩૦૦ કરોડના મેફેડ્રોનની જપ્તિના કેસમાં ડ્રગ બનાવવાની ફોર્મ્યુલા પૂરી પાડનારો પકડાયો
મુંબઈ: નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરી પર દરોડો પાડી ૩૦૦ કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કરવાના કેસમાં મુંબઈની સાકીનાકા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીએ ફૅક્ટરી ધમધમતી કરવા માટે ડ્રગ બનાવવાની ફોર્મ્યુલા અને માણસો પૂરા પાડ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
સાકીનાકા પોલીસે ગુરુવારે સાંજે વસઈ સ્થિત ઘરેથી હરીશ પંતની ધરપકડ કરી હતી. પંત પકડાતાં આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા ૧૮ પર પહોંચી હતી. અન્ય આરોપીઓ સાથે પંતને શુક્રવારે કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. કોર્ટે તેને ૩૦ ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં રહેતા પંતે માટા પાયે મેફેડ્રોનનું ઉત્પાદન કરવા કથિત રીતે ફોર્મ્યુલા પૂરી પાડી હતી. એ સિવાય આ કેસના આરોપીઓ લલિત પાટીલ અને તેના ભાઈ ભૂષણ પાટીલને ફૅક્ટરી શરૂ કરવામાં મદદ કરી હોવાનું તપાસમાં જણાયું હતું, એમ અધિકારીનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે સાકીનાકા પોલીસે ડ્રગ્સ વિરોધી ઑપરેશન હાથ ધરી બે મહિના દરમિયાન ૩૦૦ કરોડ રૂપિયાનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આ કેસમાં અલગ અલગ સ્થળેથી ૧૮ જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પાંચમી ઑક્ટોબરે નાશિકના શિંદેગાંવ સ્થિત ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફૅક્ટરીનો પણ પર્દાફાશ કર્યો હતો. (પીટીઆઈ)