મુંબઈ: મુંબઈ પોર્ટ ઓથોરિટીના પ્રતિબંધિત ક્ષેત્રમાં કાર ઘુસાડ્યા બાદ કારને રોકવા માટે આવેલા સીઆઇએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનની કારતૂસો અને મેગેઝિન લઇ ભાગી છૂટેલા ત્રણ જણને યલોગેટ પોલીસે પકડી પાડ્યા હતા.
યલોગેટ પોલીસે ઝડપી પાડેલા ત્રણેયની ઓળખ ગૌરેશ મોહિત વગળ (૨૭), શ્રેયસ કિરણ ચુરી (૨૫) અને અભિષેક અજિત માણગાંવકર (૨૪) તરીકે થઇ હતી. તેમની પાસેથી કાર જપ્ત કરાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ પોર્ટ ઓથોરિટી, પી. ડિમેલો રોડ અંતર્ગત યલોગેટ પ્રવેશદ્વાર ખાતે ૮ ઑગસ્ટે મોડી રાતે સ્વીફ્ટ ડિઝાયર કાર પ્રતિબંધિત ક્ષેત્રમાં ઘૂસી આવી હતી. એ સમયે ત્યાં તહેનાત સીઆઇએસએફના જવાને કારને રોકવા ઇશારો કર્યો હતો, પણ તેને ગણકાર્યા વિના આરોપીઓએ કાર રિવર્સ લીધી હતી, ત્યારે જવાનના હાથમાંની રાઇફલમાંની મેગેઝિન કારમાં પડી ગઇ હતી અને આરોપીઓ ત્યાંથી કાર હંકારી છૂ થઇ ગયા હતા.
આ ઘટના બાદ યલોગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસ ટીમે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. કાર જે જે માર્ગો પરથી ગઇ હતી ત્યાંના પણ ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે મળેલી માહિતીને આધારે કારને શોધી કાઢી ત્રણ જણને તાબામાં લીધા હતા અને ૨૦ કારતૂસો સાથેની મેગેઝિન પણ હસ્તગત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Taboola Feed