ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ કરતા મોતને ભેટ્યો આ વ્યક્તિ

કલ્યાણઃ થાણે નજીક આવેલા કલ્યાણ રેલવે સ્ટેશન પર એક મોટો અકસ્માત થયો છે. ડેક્કન ક્વિન એક્સપ્રેસમાંથઈ ઉતરવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાના સમાચાર આવ્યા છે.
ઘટનાની વિગત મુજબ પુણેથી નીકળેલી ડેક્કન ક્વીન એક્સપ્રેસ કલ્યાણ રેલ્વે સ્ટેશન પર આવી હતી.
આ સમયે બે મુસાફરોએ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. બેઉ જણ પાટા પર પડ્યા હતા. ઉતરતી વખતે એકે સંતુલન ગુમાવતાં બીજો તેને બચાવવા ગયો અને બંને નીચે પડી ગયા, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયાનું જાણવા મળે છે.
સ્ટેશન પરના પોર્ટરો ઘાયલ મુસાફરને સારવાર માટે કલ્યાણની રુક્મિણીબાઈ હોસ્પિટલમાં લઈ ગયા હોવાનું માનવામાં આવે છે. પુણેથી શરૂ થતી ડેક્કન ક્વીન એક્સપ્રેસ ટ્રેનમાં કલ્યાણનું કોઈ સ્ટોપ નથી. આ બંને યુવકોએ કલ્યાણમાં ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ બંને ઉતારૂ કર્જત ઉતરવા માંગતા હતા, પરંતુ ટ્રેન ત્યાં પણ ઉભી રહી નહોતી, તેથી તેઓએ કલ્યાણમાં ચાલુ ટ્રેને નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમનો અકસ્માત થયો હતો. મૃતકની ઓળખ ફરીદ અંસારી તરીકે થઈ છે, જ્યારે રિયાઝ અંસારી ઘાયલ થયો છે.