આમચી મુંબઈટોપ ન્યૂઝ

ભાયખલાના પ્રાણીબાગમાં છેલ્લા છ વર્ષમાં ૨૭૫ પ્રાણીનો મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે બોટોનિકલ ઉદ્યાન ઍન્ડ ઝૂ (પ્રાણીબાગ)માં છેલ્લા છ વર્ષમાં આશરે ૨૭૫ પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની માહિતી રાઈટ ટુ ઈર્ન્ફોમેશન એક્ટ (આરટીઆઈ) મુજબ જાહેર થઈ છે. જોકે પ્રાણીબાગના અધિકારીના દાવા મુજબ પ્રાણીઓના મૃત્યુ મુખ્યત્વે વૃદ્ધત્વ અને પ્રાણીઓમાં આપસમાં થતી લડાઈ જેવા કારણોથી થયાં છે.

બિનસામાજિક સંસ્થાએ વીરમાતા જિજબાઈ ભોસલે બોટોનિકલ ઉદ્યાન એન્ડ ઝૂ પાસે આરટીઆઈ કરીને પ્રાણીનો જન્મ અને મૃત્યુ બાબતે માહિતી માગી હતી. પ્રાણી સંગ્રહાલયના અધિકારીના જણાવ્યા મુજબ પહેલી એપ્રિલ, ૨૦૧૯થી ૩૧ માર્ચ, ૨૦૨૫ની વચ્ચે કુલ ૨૮૬ પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ અને સરિસૃપોનો જન્મ થયો હતો. તો આ જ સમયગાળા દરમ્યાન ૨૭૫ પ્રાણીઓના મૃત્યુ થયા હતા.

ડેટા અનુસાર એપ્રિલ ૨૦૨૪થી ૩૧ માર્ચ ૨૦૨૫ની વચ્ચે ઝૂમાં ૪૧ પ્રાણીઓના મૃત્યુ થયા હતા, જેમાં ત્રણ હમ્બોલ્ટ પૅંગ્વિન, ટપકાવાળા હરણ, ગોલ્ડન જેકલ્સ, માર્શ મગર, સહિત કાચબાનો સમાવેશ થાય છે. મૃત્યુના કારણો કાર્ડિયાક અટેક અને રેસ્પિરેટરી (શ્ર્વાસને લગતી)ને લગતી સમસ્યા હતા. આ સમયગાળા દરમ્યાન પ્રાણીબાગનું સૌથી વધુ આકર્ષણ રહેલી ૫૮ વર્ષની હાથણી અનારકલીનું મૃત્યુ પણ થયું હતું. તેના મૃત્યુ બાદ અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ વર્તમાન ગાઈડલાઈન મુજબ શહેરના પ્રાણીબાગમાં હાથીને રાખવા પર મૂકેલા પ્રતિબંધને પગલે સુધરાઈએ પ્રાણીબાગમાં કોઈ નવા હાથી નહીં રાખવાનો નિર્ણય લીધો હતો.

હાલમાં ભાયખલામાં ૫૩ એકર પરિસરમાં ફેલાયેલા પ્રાણીબાગમાં સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપ સહિત ૩૮૮ પ્રાણીઓ છે. સુધરાઈએ વધારાની ૧૦ એકર જગ્યામાં પ્રાણીબાગનું વિસ્તારીકરણની યોજના અમલમાં મૂકી છે, જેમાં મફતલાલ કમ્પાઉન્ડમાંથી સાત એકર અને બાકીની પોદ્દાર વિસ્તારમાંથી લેવામાં આવી છે. તાજેતરમાં રાંચીના પ્રાણીબાગમાંથી ચાર ઘરિયાલ (મગરમચ્છ) લાવવામાં આવ્યા હતા, જેણે પૅંગ્વિન, રોયલ બેંગાલ ટાઈગરની સાથે જ પર્યટકોમાં આકર્ષણ જમાવ્યું છે.

આ પણ વાંચો…કોસ્ટલ રોડ પ્રોમોનેડ ૧૫ જુલાઈએ ખુલ્લો મુકાશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button