બોલો, મુંબઈ યુનિવર્સિટીની 270 કોલેજમાં ફૂલ ટાઈમ પ્રિન્સિપાલ નથી
મુંબઈઃ કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રિન્સિપાલ એ મહત્ત્વનો હોદ્દો માનવામાં આવે છે, જે સમગ્ર સ્કૂલ-કોલેજનું સુચારું સંચાલન કરે છે, પરંતુ તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટી અંગે ચોંકાવનારી વાત જાણવા મળી છે. મુંબઈ યુનિવર્સિટીની 30 ટકાથી વધુ કોલેજમાં ફુલ ટાઈમના પ્રિન્સિપાલ નહીં હોવાથી મહત્ત્વના મુદ્દે કામગીરી કરવામાં પડકાર ઊભા થઈ રહ્યા છે. મુંબઈ યુનિવર્સિટી અંતર્ગત 878 કોલેજમાંથી 270 કોલેજો કામચલાઉ અથવા ઈન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા કાર્યરત છે.
યુનિવર્સિટી જણાવે છે કે જ્યારે 170 કોલેજ એવી છે, જ્યાં છેલ્લા એક વર્ષથી કોઈ પ્રિન્સિપાલ પણ નથી. નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) મુજબ ફુલ ટાઈમના હેડની ગેરહાજરી હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટસના સંચાલન માટે મોટો પડકાર બની શકે છે, જેથી તેમને વિવિધ કાર્યક્રમોમાં ફેરફારની શરૂઆત કરવાની ફરજ પડે છે. યુનિવર્સિટી ફૂલ ટાઈમ હેડ વિનાની કોલેજોની કોઈ પણ જાહેરાત નથી આપી રહી ત્યારે રાજ્ય સરકારના અધિકારીઓ જણાવે છે કે આમાંથી મોટા ભાગની ઈન્સ્ટિટ્યૂટ ખાનગી કોલેજ છે. અમે પહેલાથી જ અમારી સાથી કોલેજમાં પ્રિન્સિપાલની નિમણૂક માટે દરખાસ્ત કરી છે.
કોલેજના પ્રિન્સિપાલ માટે મંજૂરીની પ્રક્રિયા છેલ્લા કેટલાક વર્ષોમાં અવ્યવસ્થિત રહી છે. જો કે આર્થિક સદ્ધરતા માટે રાજ્યમાં સરકારી ક્રમચારી પર લાગુ પડતા ખર્ચાઓને દૂર કરવા આખરે 2015માં સરકારે નવી પોસ્ટ બહાર પાડવાનું રોકી દીધું હતું. 2018માં સરકારે આ પ્રતિબંધો હટાવીને અમુક જગ્યાઓ માટે પ્રિન્સિપાલ અને શિક્ષકો માટે 40 ટકા ભરતી બહાર પાડી હતી. 2020માં ફરી રાજ્યના નાણા મંત્રાલયે કોરોના મહામારીના પગલે આર્થિક સંકડામણ હોવાથી ભરતીમાં રોક લગાવી હતી. એક વર્ષ બાદ રાજ્યભરમાં પ્રિન્સિપાલ માટેની 260 જગ્યા ભરવા માટેની મંજૂરી આપી હતી. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારથી પ્રિન્સિપાલ એક માત્ર અને મહત્વની પોસ્ટ હોય કોલેજો નેશનલ એક્રિડિયેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (NAAC) સુધી પહોંચી રહી છે અને નક્કી થયું છે કે તમામ ભરતીની પ્રક્રિયા કરવામાં આવશે.