પૂર્વ ઉપનગરના નાના-મોટા ૨૬ પુલોના થશે સમારકામ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા પૂર્વ ઉપનગરમાં આવેલા ૨૬ પુલોના સમારકામ હાથ ધરવાની છે. આ સમારકામ માટે પાલિકા લગભગ ૧૫.૬૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. મુખ્યત્વે કુર્લા, સાકીનાકા, ગોવંડી, માનખુર્દ, શિવાજી નગર અને ચેંબુર જેવા વિસ્તારમાં આ પુલો આવેલા છે. ગયા મહિને પાલિકાએ અંધેરીથી મલાડ સુધીના વિસ્તારના પુલના સમારકામ માટે ૪૧ કરોડ રૂપિયાનો તો ઘાટકોપરથી મુલુંડ સુધીમાં આવેલા પુલ માટે ૨૭ કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો.
કુર્લા અને સાકીનાકામાં છ, ગોવંડી, માનખુર્દ અને શિવાજી નગરમાં ૧૨ અને ચેંબુરમાં આઠ પુલનો સમાવેશ થાય છે. ક્ધસલ્ટન્ટની ભલામણ મુજબ સમારકામમાં પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા બ્રિજ પર નજીવા કામનો સમાવેશ થાય છે, જેમાં બેરિંગ બદલા, કૉંક્રીટથી તિરાડ ભરવી, રસ્તા પર પડેલા ગાબડાઓનું સમારકામ, ગર્ડર, ડિવાઈડર અને દિવાલોને મજબૂત કરવા અને જર્જરિત થયેલા ભાગોને બદલવા જેવા કામનો સમાવેશ થાય છે. વર્ક ઓર્ડર બહાર પાડ્યા બાદ કૉન્ટ્રેક્ટે ૨૪ મહિનામાં સમારકામ પૂરું કરવાનું રહેશે.
નોંધનીય છે કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ(ફોર્ટ)ની બહાર આવેલો હિમાલયા પુલ ૨૦૧૯માં તૂટી પડ્યો હતો. એ બાદ પાલિકાએ શહેરના તમામ પુલોનું સમારકામ કરવાનો નિર્ણય લીધો હતો. તો વર્ષમાં બે વખત પુલોનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પુલોના થશે સમારકામ
કુર્લા-સાકીનાકામાં બામણડે પાડા પાસે મીઠી નદી પરનો પુલ, અશોક નગર ખાતે મીઠી નદીનો પુલ, નહેરુ નગર નલ્હા પુલ, નેહરુ નગર ફૂટ ઓવર બ્રિજ, તિલક નગર સ્ટેશન પાસેનો ફૂટ ઓવર બ્રિજનો સમાવેશ થાય છે. ચેંબુરમાં વી.એન. પુરવ રોડ પર આવેલા નાળા પરનો પુલ, ગોરેગામ-મુલુંડ લિંક રોડ-સુભાષ નગર નાળા પરનો પુલ, ચેંબુરમાં અંકુર થિયેટર પાસેનો ફૂટ ઓવર બ્રિજ, કુમુદ વિદ્યા મંદિર પાસેનો ફૂટ ઓવર બ્રિજ, રફી નગર રોડ નંબર ૧,૨,૩,૪,૫ નાળાનો પુલ, ગોવંડીમાં આવેલો વૈભવ નગર નાળા પરનો પુલ, માહુલ રોડ પર વાશીનાકા નાળા પરનો પુલ, શિવાજી ચોક, મૈસુર કોલોની, ચેંબુર પશ્ર્ચિમ સબ-વે, ભક્તિ પાર્ક ચેંબુર સબ-વેનો સમાવેશ થાય છે.