આમચી મુંબઈ

રાણાનું પ્રત્યાર્પણ એક મોટી સફળતા છે જે 26/11ના હુમલાના વાસ્તવિક કાવતરાનો ખુલાસો કરશે: અજિત પવાર…

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણને એક મોટી સફળતા ગણાવી હતી અને કહ્યું હતું કે તેનાથી 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા પાછળના કાવતરાની મહત્વપૂર્ણ વિગતોને ઉજાગર કરવામાં મદદ થશે. આ કેસના મુખ્ય આરોપી, પાકિસ્તાની મૂળના 64 વર્ષીય કેનેડિયન નાગરિકને ગુરુવારે સાંજે લોસ એન્જલસથી એક ખાસ વિમાનમાં દિલ્હી લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એક ખાસ કોર્ટે તેમને 18 દિવસ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ની કસ્ટડીમાં મોકલ્યા હતા.

રાણા પર ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાની, આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને હરકત-ઉલ-જેહાદી ઇસ્લામી (એચયુજેઆઈ) અને અન્ય પાકિસ્તાન સ્થિત સહ-કાવતરાખોરો સાથે મળીને 166 લોકોના મોતના ત્રણ દિવસના આતંકવાદી હુમલાને અંજામ આપવાનો આરોપ છે.

પુણેમાં પત્રકારો સાથે વાત કરતા પવારે યાદ કરાવ્યું હતું કે 2008ના હુમલા દરમિયાન તેઓ તત્કાલીન મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ અને ગૃહ પ્રધાન આર. આર. પાટીલ સાથે મુંબઈમાં હાજર હતા. ઓપરેશન પછી અમે બધા હુમલાના સ્થળોની મુલાકાત લીધી. માસ્ટરમાઇન્ડ્સને ઓળખવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. હવે જ્યારે આ માણસ (રાણા)ને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે, ત્યારે તે બહાર આવશે કે હુમલા પાછળ કોણ હતા, કોના આદેશ પર તેમણે આ હુમલો કર્યો હતો અને તેમનો હેતુ શું હતો, એમ પવારે કહ્યું હતું.

પવાર પ્રતિષ્ઠિત સમાજ સુધારકની જન્મજયંતિ પર ફૂલે વાડા ખાતે મહાત્મા ફૂલેને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં આવ્યા હતા.
ફૂલે વાડાના વિસ્તરણની ધીમી ગતિ અંગે વરિષ્ઠ ઓબીસી (અન્ય પછાત વર્ગ) નેતા અને તેમના એનસીપી સાથી છગન ભુજબળ દ્વારા વ્યક્ત કરાયેલા અસંતોષ વિશે પૂછવામાં આવતા, પવારે કહ્યું હતું કે તેમણે પુણે નાગરિક સંસ્થાને કામ ઝડપી બનાવવા અને સ્મારક માટે જમીન સંપાદન સુનિશ્ર્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.

ભુજબળ સાહેબને ભૂખ હડતાળ પર જવાની જરૂર પડશે નહીં. કામ પૂર્ણ થશે, એમ તેમણે કહ્યું હતું. રાજ્યસભા માટે નામાંકિત ન થવા કે રાજ્યમાં પ્રધાનપદ ન મળવા અંગે અવાજ ઉઠાવનારા ભુજબળે ગુરુવારે કહ્યું હતું કે સરકારમાં તેમની પાસે કોઈ પદ નથી, તેથી તેઓ ફૂલે સ્મારકના વિસ્તરણ માટે ઉપવાસ પર બેસી શકે છે.

પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કરવામાં આવતા ગર્ભવતી મહિલાના મૃત્યુનો ઉલ્લેખ કરતાં, પવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ મામલે ત્રીજો રિપોર્ટ પ્રાપ્ત થયા પછી કાર્યવાહી કરવામાં આવશે. વિપક્ષમાં રહીને બળતણ અને કઙૠના ભાવમાં વધારો સામે તેમણે જે વિરોધ પ્રદર્શનો કર્યા હતા તે શું તેઓ ભૂલી ગયા છે, તે અંગે પૂછવામાં આવતા, પવારે કહ્યું, ‘હું ભૂલ્યો નથી. પરંતુ વૈશ્ર્વિક બળતણના ભાવમાં વધઘટ વાસ્તવિક છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સત્તામાં આવ્યા પછી. તેમની ટેરિફ નીતિઓએ વૈશ્ર્વિક અર્થતંત્રને અસર કરી છે.’

જોકે 50 રૂપિયા (પ્રતિ એલપીજી સિલિન્ડર)નો વધારો થયો છે, તેમ છતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલ કંપનીઓને ભાવ ન વધારવા અને તફાવત પોતે સહન કરવા કહ્યું છે, એવો દાવો તેમણે કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં હોવાથી, અમે તેમની સાથે આ મુદ્દા પર ચર્ચા કરીશું, એમ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઈ)

આપણ વાંચો : કસાબને ઓળખનાર નટવરલાલે તહવ્વુર રાણા અંગે કહ્યું, ‘આતંકવાદીઓ કોઈના સગાં નથી હોતા, મુસ્લિમોને…’.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button