સીબીઆઈના અધિકારીના સ્વાંગમાં કંપનીની નિવૃત્ત મહિલા ડિરેક્ટર સાથે 25 કરોડની ઠગાઈ
મુંબઈ: પોલીસ અને સીબીઆઈ અધિકારીના સ્વાંગમાં મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી સાયબર ઠગ દ્વારા મુંબઈમાં રહેતી મલ્ટિનેશનલ કંપનીની નિવૃત્ત મહિલા ડિરેક્ટર સાથે પચીસ કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. તાજેતરના સમયમાં મુંબઈમાં સાયબર ઠગ દ્વારા ઠગાઈ કરવાનો આ સૌથી મોટો કેસ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ ફરિયાદી સાયબર ઠગની ધમકીથી એટલી ડરી ગઈ હતી કે મની લોન્ડરિંગ કેસની માથાકૂટથી બચવા માટે પોતાના અને માતાના શૅર્સ અને મ્યુઅલ ફન્ડનાં રોકાણો વેચી નાખ્યાં હતાં. એ સિવાય ઠગને નાણાં ચૂકવવા માટે તેણે ગોલ્ડ લોન પણ લીધી હતી.
આ છેતરપિંડી બે મહિનાના સમયગાળા દરમિયાન થઈ હતી, જેની શરૂઆત 6 ફેબ્રુઆરીથી થઈ હતી. પશ્ર્ચિમી પરામાં રહેતી ફરિયાદીને ટેલિકોમ ડિપાર્ટમેન્ટના અધિકારીના સ્વાંગમાં ઠગે વ્હૉટ્સઍપ કૉલ કર્યો હતો. ફરિયાદીને તેના ત્રણ મોબાઈલ નંબર ડિઍક્ટિવેટ કરવામાં આવશે, એવું કહેવામાં આવ્યું હતું.
ફરિયાદીએ નંબર ડિઍક્ટિવેટ કરવાનું કારણ જાણવા માગતાં કૉલ પોલીસ અધિકારીને જોડી રહ્યો હોવાનું કૉલરે કહ્યું હતું. પછી પોલીસ અધિકારીના સ્વાંગમાં શખસે ફરિયાદી વિરુદ્ધ મની લોન્ડરિંગ સંબંધી ફરિયાદ આવી હોવાનું કહ્યું હતું.
પોલીસ અધિકારીએ ફરિયાદીના મોબાઈલ નંબરો અને આધાર કાર્ડ આ કેસ સાથે લિંક હોવાનું જણાવ્યું હતું. પછી કૉલ અન્ય વ્યક્તિને ડાયવર્ટ કર્યો હતો. સામે છેડેથી વાત કરનારા શખસે પોતાની ઓળખ સીબીઆઈના અધિકારી તરીકે આપી મની લોન્ડરિંગની કાર્યવાહીની ધમકી આપી હતી. કેસથી બચવું હોય તો આપેલા બૅન્ક ખાતામાં નાણાં જમા કરાવવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું.
ડરના માર્યા ફરિયાદીએ સમયાંતરે પચીસ કરોડ રૂપિયા ઠગે આપેલાં બૅન્ક ખાતાઓમાં જમા કર્યા હતા. બાદમાં પોતાને છેતરવામાં આવી રહી હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરી હતી. આ પ્રકરણે સાયબર પોલીસે તપાસ હાથ ધરી 31 બૅન્ક ખાતાં ફ્રીઝ કર્યાં હતાં. (પીટીઆઈ)