અઠવાડિયામાં બાઈકનાં મોડિફાય કરેલાં ૨૪૪ સાઈલેન્સર જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાયુ અને ધ્વનિ પ્રદૂષણ રોકવા ટ્રાફિક વિભાગે હાથ ધરેલી વિશેષ ઝુંબેશ હેઠળ બાઈકના મોડિફાય કરેલાં ૨૪૪ સાઈલેન્સર જપ્ત કરવામાં આવ્યાં હતાં, જ્યારે ૭૦૦થી વધુ બાઈક સામે ઈ-ચલાન કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરમાં વધી રહેલા વાયુ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આના જ ભાગ રૂપે ટ્રાફિક પોલીસે પણ ઝુંબેશ હાથ ધરી હતી. મોડિફાય કરેલી બાઈક અને સાઈલેન્સરને કારણે પણ પ્રદૂષણમાં વધારો થતો હોવાનું નોંધી પોલીસે આવી બાઈક સામે કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક વિભાગે ૭થી ૧૫ નવેમ્બર દરમિયાન મોડિફાય કરેલાં ૨૪૪ સાઈલેન્સર જપ્ત
કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. એ સિવાય પીયુસી સંબંધિત ૫૧૭ અને બાઈકમાં ગેરકાયદે ફેરફાર કરવા બદલ ૧૨૭ ઈ-ચલાન કાર્યવાહી કરાઈ હતી. આ કાર્યવાહી વર્ષભર કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.