213માંથી 125 જોખમી બિલ્ડિંગોમાં રહેવાસીઓ અધ્ધર શ્વાસે જીવે છે
મુંબઈ: દર વર્ષે મોન્સૂનમાં જોખમી અને જર્જરિત થયેલી બિલ્ડિંગોનો પ્રશ્ન આજે પણ એરણ પર છે. આને કારણે મોન્સૂન પહેલાં આવી બિલ્ડિંગોની યાદી જાહેર કરીને રહેવાસીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત થવાની અપીલ કરવામાં આવતી હોય છે. છેલ્લાં બે વર્ષમાં જાહેર કરવામાં આવેલી જોખમી બિલ્ડિંગોની સંખ્યા 213 હોઈ એ પૈકી 125 જોખમી બિલ્ડિંગમાં રહેવાસીઓ હજી પણ રહે છે.
જોખમી હોય એવી બિલ્ડિંગોની વીજળી અને પાણીપુરવઠો ખંડિત કરવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. તે અનુસાર આમાંથી અમુક બિલ્ડિંગ પર કાર્યવાહી કરવામાં આવી છે.
બિલ્ડિંગનો સ્લેબ ઢળવો, બિલ્ડિંગના ભોંયતળિયાની સ્થિતિ જોખમાયેલી હોય કે પછી બિલ્ડિંગની દીવાલોમાં ક્રેક થવી તેમ જ સ્લેબ કે પછી બીમના નીચેના ભાગમાં કોંક્રીટ ખરી જવું જેવાં કારણોને લઇ મુંબઈની બિલ્ડિંગની ચકાસણી કર્યા બાદ એ જોખમી છે કે નહીં એ મુંબઈ પાલિકા દ્વારા જાહેર કરવામાં આવતું હોય છે.
છેલ્લાં બે વર્ષમાં 445 બિલ્ડિંગ જોખમી જાહેર કરવામાં આવી હતી. અતિ જોખમી પૈકી 212 બિલ્ડિંગને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે, જ્યારે 20 બિલ્ડિંગોનું તબક્કા વાર તાત્પૂરતું કામ કરવામાં આવ્યું છે. બાકીની 213 જોખમી બિલ્ડિંગ પર પણ કાર્યવાહી ચાલી રહી હોઇ એ પૈકી 88 બિલ્ડિંગોને ખાલી કરવામાં આવી છે, જ્યારે 125 બિલ્ડિંગમાં રહેવાસીઓ આજે પણ અધ્ધર શ્વાસે જીવી રહ્યા છે. જીવની પરવા કર્યા વિના આ રહેવાસીઓ અહીંથી નીકળવા માટે તૈયાર નથી.
બિલ્ડિંગને જોખમી જાહેર
કર્યા પછી પણ અમુક સોસાયટીના રહેવાસીઓએ પાલિકાના
નિર્ણયના વિરોધમાં કોર્ટનાં દ્વાર
ખટખટાવ્યાં છે.