લૂંટ-હત્યાના પ્રયાસના કેસમાં 21 વર્ષથી ફરાર આરોપી પકડાયો
થાણે: લૂંટ અને હત્યાના પ્રયાસમાં સંડોવાયેલી ટોળકીનો ફરાર સભ્ય 21 વર્ષે મહારાષ્ટ્રના જાલના જિલ્લામાંથી પકડાઈ ગયો હતો.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ બાબુરાવ અન્ના કાળે (55) તરીકે થઈ હતી. પારધી ગૅન્ગનો સભ્ય કાળે પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. 20 ડિસેમ્બરે તેને જાલનાના પાર્તુર તાલુકામાંથી પકડી પાડવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ 9 જાન્યુઆરી, 2003ની રાતે ચાર લૂંટારા વિરારના બોળિંજ-અગાશી વિસ્તારમાં આવેલા એક બંગલોમાં ઘૂસ્યા હતા. ઘરમાં હાજર લોકોને છરાની ધાકે બાંધી દીધા બાદ સોનાના દાગીના અને પચીસ હજારની રોકડ આરોપીએ લૂંટી હતી, એવું સિનિયર ઈન્સ્પેક્ટર રાહુલ રાખે જણાવ્યું હતું.
લૂંટારાઓએ આ જ રીતે બાજુના બંગલોને પણ ટાર્ગેટ કર્યો હતો, પરંતુ એ બંગલોમાંથી તેમને કોઈ કીમતી વસ્તુ હાથ લાગી નહોતી.
આ પણ વાંચો : નવી મુંબઈ-થાણે ગેરકાયદે વસવાટ કરતાં 18 બાંગ્લાદેશી પકડાયા…
આ પ્રકરણે વિરાર પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે 2005માં આ ટોળકીના એક આરોપી સુચિનાથ ઉર્ફે રાજેશ સત્યવાન પવારની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેની વિરુદ્ધ કોર્ટમાં આરોપનામું પણ દાખલ કરાયું હતું.
આ કેસમાં કાળે સહિત ત્રણ આરોપી ફરાર હતા અને પોલીસ તેમની શોધ ચલાવી રહી હતી. દરમિયાન કાળે તેના વતન વાલખેડ ગાંવમાં એક ખેતરમાં બાંધેલા ઝૂંપડામાં રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે તેને પકડી પાડ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે કાળે લૂંટ અને હત્યાના પ્રયાસના 10 જેટલા કેસમાં સંડોવાયેલો છે. તેની વિરુદ્ધ જાલના અને છત્રપતિ સંભાજીનગરનાં પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. (પીટીઆઈ)