આકર્ષક વળતરની લાલચે વ્યવસાયિક સાથે 21 કરોડ રૂપિયાની છેતરપિંડી

થાણે: આકર્ષક વળતરની લાલચે પોતાની કંપનીમાં રોકાણ કરવા પ્રેર્યા બાદ પ્રિન્ટિંગ ઍન્ડ પૅકેજિંગના વ્યવસાયિક સાથે 21 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે થાણે પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ચિતળસર પોલીસ સ્ટેશનમાં બુધવારે નોંધાયેલા એફઆઈઆર અનુસાર પ્રવીણકુમાર અગ્રવાલ, સોનલ પ્રવીણકુમાર અગ્રવાલ અને સુરેન્દ્રકુમાર ચંદ્રાએ 43 વર્ષના ફરિયાદીને તેમની આર. જે. એડ્વેન્ચર્સ ઍન્ડ રિયાલિટી પ્રાઈવેટ લિમિટેડમાં આર્થિક રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી હતી. આરોપીની વાતોમાં આવી ફરિયાદીએ માર્ચ, 2016થી કંપનીમાં પચીસ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
આ પણ વાંચો : થાણેમાં જ્વેલર્સને લૂંટવા આવેલા લૂંટારાઓનો હવામાં ગોળીબાર
જોકે ફરિયાદીને કોઈ વળતર ન મળતાં તેણે પૂછપરછ કરી હતી. વારંવારની પૂછપરછ પછી આરોપીએ ફરિયાદીને ચાર કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ બાકીના 21 કરોડ રૂપિયા અને નફાની રકમ ફરિયાદીને આપવામાં આવી નહોતી.
વારંવારની માગણી છતાં નાણાં પાછાં ન મળતાં આખરે ફરિયાદીએ ચિતળસર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ