ટ્રેન બ્લાસ્ટ ખટલો: આરોપીઓની અપીલ પર આખરે નવ વર્ષે સુનાવણી શરૂ
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનોમાં 2006માં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકા ખટલામાં સજા પામેલા આરોપીઓની અપીલ અને ફાંસીની સજા કાયમ રાખવાના પ્રકરણ પર બૉમ્બે હાઈ કોર્ટની વિશેષ ખંડપીઠ સમક્ષ સોમવારથી સુનાવણી શરૂ થઈ હતી. છેક નવ વર્ષે સુનાવણી શરૂ થઈ હોઈ આગામી છ મહિના નિયમિત રીતે સુનાવણી થશે.
આ પણ વાંચો: મુંબઈમાં ઘણી જગ્યાએ બ્લાસ્ટ થશે…આવ્યો ધમકીભર્યો ફોન, પોલીસ આરોપીની શોધમાં…
આરોપીઓએ દાખલ કરેલી અપીલ અનેક વર્ષથી પેન્ડિંગ હોવાનું નોંધીને અપીલની તાત્કાલિક સુનાવણી હાથ ધરવાનું આશ્ર્વાસન ન્યાયમૂર્તિ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેએ આપ્યું હતું. આરોપીઓની અપીલ અને ફાંસીની સજા કાયમ રાખવા સંબંધેની સુનાવણી માટે ન્યાયમૂર્તિ અનિલ કિલોર અને શ્યામ ચાંદકની વિશેષ ખંડપીઠ બનાવવામાં આવી હતી. આ બૅન્ચ સામે સોમવારે પહેલી સુનાવણી થઈ હતી.
સુનાવણી દરમિયાન રાજ્યની વિવિધ જેલમાં બંધ આરોપીઓને વીડિયો કૉન્ફરન્સિંગથી હાજર કરવાના આદેશ ખંડપીઠે આપ્યા હતા. જોકે ફાંસીની સજા પામેલા આરોપીઓને પ્રત્યક્ષ રીતે કોર્ટમાં હાજર કરવાની માગણી અમુક આરોપીઓના વકીલોએ કરી હતી, પરંતુ કોર્ટના આદેશ પછી માગણી પાછી ખેંચવામાં આવી હતી.
આ પણ વાંચો: 1993 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ: આરોપી અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ, અજમેરની ટાડા કોર્ટનો ચૂકાદો
ઉલ્લેખનીય છે કે વિશેષ અદાલતે સપ્ટેમ્બર, 2015માં 12માંથી પાંચ જણને ફાંસીની સજા અને સાતને જનમટીપની સજા સંભળાવી હતી. ચુકાદા પછી તરત જ આરોપીઓની ફરી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં છે.