દેવનારમાં ૨૦૦ ગેરકાયદે બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેવનારમાં તાનાજી માલુસરે ચોકમાં રહેલા ૨૦૦ જેટલા ગેરકાયદે બાંધકામને મુંબઈ મહાનગરપાલિકાના એમ-પૂર્વ વોર્ડ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ બાંધકામ હટવાની સાથે જ હવે અહીં શેલ્ટર હોમ, કેર સેન્ટર, વદ્ધાશ્રમ બનાવવાને આડે રહેલી અડચણ દૂર થઈ છે.
પાલિકાના જણાવ્યા મુજબ દેવનારમાં તાનાજી માલુસરે ચોકમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ ઊભા થઈ ગયા હતા. આ બાંધકામને કાયદેસર રીતે નોટિસ આપી અને તમામ પ્રકારની પ્રશાસકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ હટાવવામાં આવ્યા હતા. આ બાંધકામ હટાવવા માટે આ અગાઉ પાંચ વખત ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી બાદ પણ આ ઠેકાણે ફરી અતિક્રમણ થઈ જતા હતા. તેથી આ વખતે વધુ આકરી કાર્યવાહી કરીને અહીં ફરી ગેરકાયદે બાંધકામ ઊભા થાય નહીં તેની કાળજી લેવામાં આવશે એવું પાલિકાએ જણાવ્યું હતું.
બાંધકામ હટાવ્યા બાદ હવે અતિક્રમણ મુક્ત થયેલા આ પ્લોટ પર સંબંધિત આરક્ષણ મુજબ મહિલા કર્મચારીઓ માટે શેલ્ટર હોમ, કેર સેન્ટર, વૃદ્ધાશ્રમ, આધાર સેન્ટર અને સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર જેવી જુદી જુદી નાગરી સુવિધા વિકસીત કરવામાં આવવાની છે.