ટાસ્ક ફ્રોડમાં 20 લાખ રૂપિયા પડાવનારો ગુજરાતમાં ઝડપાયો
મુંબઈ: કોર્પોરેટ કંપનીના મૅનેજર પાસેથી ટાસ્ક ફ્રોડમાં 20.6 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવા પ્રકરણે સાયબર પોલીસે આરોપીને ગુજરાતમાંથી પકડી પાડ્યો હતો.
પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મયૂર કુમાર પટેલ (40) તરીકે થઈ હતી. છૂટક કામો કરનારો પટેલ અમુક સમયે રિક્ષા પણ ચલાવતો હતો. કોર્ટે 20 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ આ મામલે ફરિયાદીએ 22 જુલાઈએ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને પાર્ટ ટાઈમ જૉબ સંબંધી એક વ્હૉટ્સઍપ મેસેજ આવ્યો હતો. ફરિયાદીએ મેસેજ વાંચી જૉબ માટે તૈયારી દાખવી હતી.
ટાસ્ક ફ્રોડમાં જાણીતી ઈ-કોમર્સ કંપનીનાં ઉત્પાદનોને રેટિંગ્સ આપવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું. આ માટે આરોપીએ ફરિયાદીના બૅન્ક ખાતાની વિગતો મેળવી તેને લિંક મોકલાવી હતી. લિંક ઑપન કરીને રેટિંગ આપવાનું ફરિયાદીને જણાવાયું હતું.
બાદમાં આરોપીએ ફરિયાદીને ‘પેઈડ ટાસ્ક’ની ઑફર આપી હતી, જેમાં સારા વળતરની લાલચ આપવામાં આવી હતી. વધુ નફા માટે વધુ ઉત્પાદનોને રેટિંગ્સ આપવાની લિંક ફરિયાદીને મોકલવામાં આવી હતી. ફ્રોડની જાળમાં સપડાયેલા ફરિયાદીએ સમયાંતરે 20.6 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે બાદમાં તેને કોઈ વળતર મળ્યું નહોતું. પોતે છેતરાયો હોવાની જાણ થતાં આરોપીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.