વેપારી સાથે બે કરોડની છેતરપિંડી: ડ્રગ ડીલર બેબી પાટણકર સહિત બે સામે ગુનો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વેપારી સાથે બે કરોડની છેતરપિંડી: ડ્રગ ડીલર બેબી પાટણકર સહિત બે સામે ગુનો

મુંબઈ: કસ્ટમ્સ વિભાગ દ્વારા જપ્ત કરાયેલું સોનું સસ્તામાં મેળવી આપવાને બહાને વેપારી સાથે રૂ. બે કરોડની છેતરપિંડી આચરવા પ્રકરણે ડ્રગ ડીલર શશિકલા ઉર્ફે બેબી પાટણકર અને તેના સાથી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
60 વર્ષના વેપારીએ આ સપ્તાહે વરલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે ગુરુવારે બેબી પાટણકર અને તેના સાથી પરશુરામ મુંડે (45) વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 420 (છેતરપિંડી) હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

વેપારી તેના એક પરિચિત મારફત પરશુરામ મુંડેને મળ્યો હતો. મુંડેએ દાવો કર્યો હતો કે પુણે ખાતે તેની ગોલ્ડ ટે્રડિંગ કંપની છે. મુંડેએ વેપારીને કહ્યું હતું કે તેની કંપની કસ્ટમ્સ વિભાગ દ્વારા જપ્ત કરાયેલું સોનું લિલામમાં ખરીદે છે અને બાદમાં બજારભાવ કરતાં ઓછી કિંમતે વેચે છે.
દરમિયાન વેપારીએ સોનું ખરીદવા તૈયાર થતાં મુંડે તેને વરલી વિસ્તારમાં પાટણકરના ઘરે લઇ ગયો હતો, જ્યાં પાટણકરે સાત કિલો સોનું દેખાડ્યું હતું. સોદો નક્કી થતાં વેપારીએ પ્રથમ રૂ. 1.30 કરોડ અને બાદમાં રૂ. 70 લાખ આપ્યા હતા.

પાટણકર અને મુંડેએ વેપારીને કહ્યું હતું કે તેઓ બીજે દિવસે સોનું આપશે. જોકે વેપારીને સોનું મળ્યું નહોતું અને પૈસા પણ પાછા મળ્યા નહોતા. આથી વેપારીએ બંને જણ સામે ફરિયાદ નોંધાવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે 2015માં પાટણકરના કથિત પાર્ટનર એવા કોન્સ્ટેબલ ધર્મરાજ કાળોખેના પોલીસ સ્ટેશનમાંના લોકરમાંથી 12 કિલો મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યા બાદ પાટણકરની ધરપકડ કરવામાં આવી હતી. વિશેષ કોર્ટે બાદમાં તેને જામીન આપ્યા હતા. (પીટીઆઇ)ઉ

સંબંધિત લેખો

Back to top button