મુંબઈની કામ્યા કાર્તિકેયને રચ્યો ઈતિહાસ, વિશ્વના 7 ખંડોના શિખર પર ત્રિરંગો ધ્વજ લહેરાવનાર સૌથી યુવા વ્યક્તિ બની
મુંબઇઃ મુંબઈની ઇન્ડિયન નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલની 17 વર્ષની વિદ્યાર્થિની કામ્યા કાર્તિકેયન તમામ સાત ખંડોમાં સર્વોચ્ચ શિખરો સર કરનારી સૌથી યુવા મહિલા બની ગઇ છે અને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.
17 વર્ષીય કામ્યા કાર્તિકેયને જે સર્વોચ્ચ શિખરો સર કર્યા છે તેમાં આફ્રિકાના માઉન્ટ કિલીમંજારો, યુરોપના માઉન્ટ એલ્બ્રસ, ઓસ્ટ્રેલિયાના માઉન્ટ કોસિઝ્કો, દક્ષિણ અમેરિકાના માઉન્ટ એકોન્કાગુઆ, ઉત્તર અમેરિકાના માઉન્ટ ડેનાલી, અને એશિયાના માઉન્ટ એવરેસ્ટનો સમાવેશ થાય છે. 17 વર્ષીય કામ્યા કાર્તિકેયને 24 ડિસેમ્બરે એન્ટાર્કટિકામાં માઉન્ટ વિન્સન શિખર પર પહોંચીને તેની અસાધારણ સિદ્ધિ મેળવી હતી. તેમના પિતા કમાન્ડર એસ. કાર્તિકેયનની સાથે તેણે ચિલીના સ્થાનિક સમય અનુસાર સાંજે 5:20 વાગ્યે આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય નૌકાદળે કામ્યા કાર્તિકેયન અને તેના પિતાને આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
એન્ટાર્કટિકામાં તેના ચઢાણનું વર્ણન કરતાં, કામ્યાએ માઉન્ટ વિન્સન મેસિફની કઠોર પરિસ્થિતિઓનું વર્ણન કર્યું હતું અને જણાવ્યું હતું કે – 16,050 ફૂટની બર્ફીલી જમીન, તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું અને આશ્ચર્યજનક તેજ ગતિના પવન છતાં તેણે મક્કમપણે ચઢાણ ચાલુ રાખ્યું હતું. આ મારી દ્રઢતાની અંતિમ કસોટી છે એમ મેં માન્યું હતું. “માઉન્ટ વિન્સન મેસિફ પર ચડવું એ મારા વર્ષોથી જોયેલા સ્વપ્નની સિદ્ધિ છે. સાત ખંડોની મારી યાત્રાની આ સૌથી મોટી સિદ્ધિ છે,” એમ તેણે જણાવ્યું હતું.
ભારતીય નૌકાદળ શાળા અને તમામ ચાહકોએ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કામ્યાને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નૌકાદળના પ્રવક્તાએ તેને ઇતિહાસની રચયિતા તરીકે બિરદાવી, જ્યારે નેવી ચિલ્ડ્રન સ્કૂલ મુંબઈએ તેની સિદ્ધિને ખૂબ જ ગૌરવની ક્ષણ ગણાવી હતી.
આ પણ વાંચો…મુંબઈ એરપોર્ટ પર ‘ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન સિસ્ટમ’ લોન્ચ કરવાનું મુલતવી
કામ્યાને એડવેન્ચરનો શોખ બાળપણથી જ શરૂ થયો હતો. કામ્યા કાર્તિકેયન જ્યારે એવરેસ્ટ પર ચઢી ત્યારે સોળ વર્ષની હતી. તેણે કહ્યું કે જ્યારે તેણે પહેલીવાર ઉત્તરાખંડમાં ટ્રેકિંગ કર્યું ત્યારે તે સાત વર્ષની હતી. તેની દ્રઢતા અને સમર્પણ તેને અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ ગઇ છે. તેને 2021માં વડાપ્રધાન રાષ્ટ્રીય બાલ શક્તિ પુરસ્કારથી પણ નવાજવામાં આવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના મન કી બાત સંબોધનમાં તેની પ્રશંસા કરી હતી.