રાજ્યના ૧૭ લાખ સરકારી કર્મચારીઓ હડતાળ પર જશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ વર્ષના અંતે હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે વિવિધ વિભાગના કર્મચારીઓએ વિવિધ માગણીઓ માટે હડતાળની ચિમકી આપી હોવાનું જોવા મળી રહ્યું છે. એસટી કર્મચારીઓ, બીઈએસટીના કર્મચારીઓ તેમ જ અન્ય અનેક કર્મચારીઓ દ્વારા હડતાળની ચિમકી ઉચ્ચારી ત્યાર બાદ પ્રશાસન જાગ્યું હતું. હવે ૨૦૨૩ના વર્ષના અંતે પણ હડતાળ જોવા મળવાની શક્યતા છે. આ વખતે ૧૭ લાખ કર્મચારીઓ હડતાળ પર જવાના છે. ૧૪ ડિસેમ્બરથી હડતાળ ચાલુ થવાની શક્યતા છે. આ બેમુદત હડતાળમાં અનેક મહત્ત્વની માગણીઓ માટે આ હાકલ કરવામાં આવી છે, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
જૂના પેન્શન સહિત અન્ય ૧૭ માગણીઓ માટે રાજ્ય સરકારી, અર્ધ-સરકારી, શિક્ષક-શિક્ષકેતર કર્મચારીઓ ૧૪ ડિસેમ્બરથી હડતાળ પર જવાના હોવાનું સમન્વય સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે. માર્ચ મહિનામાં સાત દિવસની હડતાળ પછી સરકારે આપેલા આશ્ર્વાસન હજી સુધી પૂર્ણ કરવામાં આવ્યા નહોતા એટલે ફરીથી હડતાળની હાકલ કરવામાં આવી છે એમ તેમણે કહ્યું હતું.