થાણેના વૃદ્ધ દંપતી સાથે 17.5 લાખનીઠગાઈ: પનવેલના રહેવાસી વિરુદ્ધ ગુનો

થાણે: શેર્સમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે થાણેના વૃદ્ધ દંપતી સાથે 17.5 લાખ રૂપિયાની ઠગાઇ આચરવા બદલ પનવેલના રહેવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં રહેતા યુવરાજ કાર્લે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર દંપતીની મુલાકાત ડિસેમ્બર, 2024માં યુવરાજ સાથે થઇ હતી, જેણે દાવો કર્યો હતો કે તે એનએસડીએલના પાંચ હજાર અનલિસ્ટેડ શેર અને એનએસઇ (નેશનલ સ્ટોક એક્સચેન્જ)ના ત્રણ હજાર શેર ધરાવે છે. તેણે દંપતીને શેર ખરીદવા માટે કહ્યું હતું અને દાવો કર્યો હતો કે તે ટૂંક સમયમાં લિસ્ટેડ થશે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દંપતીએ જાન્યુઆરી અને માર્ચ, 2025 દરમિયાન 24.5 લાખ રૂપિયા યુવરાજના બૅંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને કાનૂની કાર્યવાહીની ધમકી બાદ તેણે સાત લાખ રૂપિયા પરત કર્યા હતા. જોકે બાકીના 17.5 લાખ રૂપિયા દંપતીને પાછા કરાયા નહોતા અને શેર પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા નહોતા.
દરમિયાન દંપતી જ્યારે યુવરાજના ઘરે પહોંચ્યું ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે અન્ય ક્રિમિનલ કેસોના સંબંધમાં તેે જેલમાં છે. છેતરાયેલા દંપતીએ ત્યાર બાદ પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)
આપણ વાંચો: BMC ચૂંટણી 2026: અપક્ષ ઉમેદવારો સંખ્યામાં મોટો ઘટાડો; જાણો શું છે કારણ…



