આમચી મુંબઈ

શિયાળુ અધિવેશન દરમ્યાન નાગપુરમાંથી દોઢસો જીવંત કારતૂસ મળી આવતાં ખળભળાટ

નાગપુર: ઉપ-રાજધાની નાગપુરમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે જ નાગપુરમાં મોટા પ્રમાણમાં જીવંત કારતૂસોનો જથ્થો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ૧૧ હજાર પોલીસની ફોજ આખા શહેરમાં તહેનાત હોવા છતાં મિટ્ટીખદાન પોલીસ સ્ટેશનની હદમાં ગોરેવાડા માર્ગ પર પુલની નીચે આવેલા નાળામાં ૧૫૦થી વધુ કારતૂસો મળી આવી હતી. શનિવારે બપોરે ૧૨ વાગ્યે કારતૂસો મળી આવ્યા બાદ પોલીસની ભાગદોડ વધી ગઇ હતી.

મિટ્ટીખદાન પોલીસ સ્ટેશનના અધિકારીએ આપેલી માહિતી અનુસાર શનિવારે બપોરે ૧૨ વાગ્યે એક નાગરિક લઘુશંકા માટે પુલ પર ઊભો હતો ત્યારે તેને એક થેલીમાં કારતૂસોનો જથ્થો દેખાયો હતો. આ અંગે તેણે પોલીસને જાણ કરી હતી. નાયબ પોલીસ કમિશનર રાહુલ મદને અન્ય અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બોમ્બ ડિટેક્શન
એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ)ને પણ બોલાવી લીધી હતી.

બીડીડીએસે તપાસ અર્થે ત્રણ કલાક સુધી આ વિસ્તારને ખૂંદ્યો હતો. જોકે અન્ય કોઇ વાંધાજનક વસ્તુઓ મળી આવી નહોતી. આ અંગેની માહિતી મળતાં જ આતંકવાદી વિરોધી શાખા પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. શું આતંક ફેલાવવા માટે આ કારતૂસનો વપરાશ કરવામાં આવવાનો હતો, એવી ચર્ચા આ વિસ્તારમાં થઇ હતી. જોકે પોલીસે અત્યંત આ અંગે કોઇ ફોડ પાડ્યો નહોતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button