મુંબઈ નજીક આવેલા તલાસરીની ઘટનાઃ મેરેથોનમાં ભાગ લીધા પછી કિશોરી ઢળી પડી

મુંબઈઃ વલસાડ જિલ્લાની એક સ્કૂલમાં યોજાયેલી મેરેથોનમાં ભાગ લીધા બાદ એક 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. 15 વર્ષની રોશનીએ શાળા દ્વારા આયોજિત મેરેથોનમાં ભાગ લીધો હતો. આ ઘટના મહારાષ્ટ્રના વેજી તલાસરીના સોરઠપાડામાં બની હતી, જે વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકાને અડીને છે. આ મેરેથોનનું આયોજન એક ખાનગી શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલો અનુસાર, મેરેથોન પછી વિદ્યાર્થિની તબિયત બગડી ગઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા સ્કૂલ અને પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી થશે.
આપણ વાચો: અમદાવાદ: સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત
શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે દોડયા પછી વિદ્યાર્થીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેની હાલત વધુ ખરાબ થતાં, વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. મેરેથોનમાં દોડવાના પરિણામે તેનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
તો બીજી બાજુ દીકરીના આ રીતે મૃત્યુથી શોકમાં ડૂબેલા માતા-પિતાએ સ્કૂલ પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. રોશનીની માતા સુનિતાએ જણાવ્યું હતું કે તેમની દીકીરએ રાત્રે જમવાનું બનાવ્યું હતું અને તે એકદમ સ્વસ્થ હતી. સવારે તેણે માતાનાં આશીર્વાદ લીધા હતા અને મેરેથોનમાં ગઈ હતી, જ્યાં દોડ્યા બાદ તેનું મોત થયું હતું.
દરમિયાન, હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે રોશની 15 વર્ષની હતી. જ્યારે તેને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે જ તે મૃત અવસ્થામાં હતી. ડૉક્ટરે કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ, મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું માનવામાં આવે છે, જોકે વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણી શકાશે.



