રાજ્યમાંથી 15 હજાર છોકરીઓ ગુમ થઇ છે, નાના પટોળેના નિવેદનથી ખળભળાટ
મુંબઇઃ ઉરણની યશશ્રીના હત્યાકાંડ બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ ચિંતાનો વિષય છે. રાજ્યમાંથી 15 હજાર છોકરીઓ અને મહિલાઓ ગુમ થઇ છે. તેમણે રાજ્ય સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે રાજ્યમાંથી આટલી બધી છોકરીઓ અને મહિલાઓ ગુમ થઇ છે અને રાજ્ય સરકાર લાડલી બહેન યોજના શરૂ કરી રહી છે. ઉરણના યશશ્રી હત્યાકાંડ પર નાના પટોલેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આવી ઘટનાઓ ઘણી જ ચિંતાનો વિષય છે. અમે રાજ્યમાંની મહિલાઓ ગુમ થવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો, પણ આ મહિલાઓનો કોઇ પત્તો મળ્યો નથી. મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. રાજ્ય સરકાર એક તરફ મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા ભરી લાડલી બહેન યોજના શરૂ કરે છે અને બીજી તરફ વીજળીના ભાવમાં બેફામ વધારો કરી દીધો છે. રાજ્યમાં મોંઘવારી પણ આસમાનને આંબી રહી છે.
નોંધનીય છે કે નવી મુંબઈના ઉરણમાં હાલમાં જ 20 વર્ષની યશશ્રી શિંદેની હત્યા કરવામાં આવી હતી, જેમાં તેના પ્રેમી દાઉદ શેખનું નામ સામે આવ્યું હતું. એમ જણાવવામાં આવ્યું હતું કે આરોપી દાઉદે યશશ્રી શિંદેની નિર્દયતાથી હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ યશશ્રી 25 જુલાઈના રોજ ગુમ થઈ ગઈ હતી અને જ્યારે તેના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવી ત્યારે એક નંબર મળી આવ્યો હતો જેના પર તેણે લાંબી વાતચીત કરી હતી અને તે નંબર દાઉદ શેખનો હતો. યશશ્રીના ગુમ થવા સમયે દાઉદના ફોનનું લોકેશન પણ ઉરણમાં જ મળી આવ્યું હતું. પોલીસ હજુ આરોપીને શોધી રહી છે.
Also Read –