મુંબઈ, થાણે અને ભિવંડીમાં પાંચમી માર્ચ સુધી ૧૫ ટકા પાણીકાપ
મુંબઈ: પિસે પમ્પિંગ સ્ટેશનમાં સોમવારે આગ ફાટી નીકળી હતી, જેને કારણે મુંબઈ પૂર્વનાં ઉપનગરોનો પાણીપુરવઠો ૨૪ કલાક માટે ઠપ કરી દેવામાં આવ્યો હતો. જોકે ૨૦માંથી ૧૫ પંપને કાર્યરત કરવામાં આવ્યા હોવાથી શહેરને પાણીપુરવઠો આંશિક રીતે પુન:સ્થાપિત કરવામાં આવ્યો હોવાનું પાલિકાએ જણાવ્યું હતું. જોકે ત્રીજા ટ્રાન્સફોર્મરને કાર્યાન્વિત
થતાં સમય લાગવાનો હોવાથી પાલિકા દ્વારા મુંબઈ, થાણે અને ભિવંડીમાં પાંચમી માર્ચ સુધી ૧૫ ટકા પાણીકાપ જાહેર કરવામાં આવ્યો હતો. શહેરીજનોને પાણી સાચવીને વાપરવાની વિનંતી પાલિકાએ કરી હતી.
સોમવારે સાંજે થાણે જિલ્લામાં પમ્પિંગ સ્ટેશન પર એક ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી, જેને કારણે પૂર્વનાં ઉપનગરોના કેટલાક વિસ્તારો અને ગોલંજી, ફોસબેરી, રાઓલી અને ભંડારવાડા જળાશયોના પાણીપુરવઠાને અસર થઇ હતી. આગને પગલે સુધરાઈએ શહેર અને પૂર્વીય ઉપનગરોના કેટલાક વિસ્તારોમાં ૩૦થી ૧૦૦ ટકા પાણી કાપ લાદ્યો હતો.
પાલિકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાણીપુરવઠાને પુન:સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ૨૦માંથી આઠ પંપ સવારના ચાર વાગ્યા સુધીમાં શરૂ કરી દેવામાં આવ્યા હતા અને ગોલંજી, રાવલી, ફોસબેરી અને ભંડારવાડા જળાશયોમાં ઓછા દબાણે પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સવારે ૧૧ વાગ્યા સુધીમાં વધુ ૭ પંપને શરૂ કરવામાં આવ્યા હતા, એવું પાલિકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ, થાણે અને નાશિક જિલ્લામાં આવેલા ભાતસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, તાનસા, મોડકસાગર, વિહાર અને તુલસી જળાશયોમાંથી મુંબઈને દરરોજ ૩૮૦૦ મિલિયન પાણી મળે છે. (પીટીઆઈ)