વસઈ-વિરારમાં રવિવારે એક દિવસમાં 14,000થી વધુ મૂર્તિનું વિસર્જન
મુંબઈઃ વસઈ વિરાર શહેરમાં રવિવારે દોઢ દિવસીય ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નાગરિકોએ વસઈ વિરાર શહેર મહાનગરપાલિકા દ્વારા બાંધવામાં આવેલા કૃત્રિમ તળાવને મોટા પ્રમાણમાં પ્રતિસાદ આપ્યો હતો. ગત વર્ષની સરખામણીએ કૃત્રિમ તળાવોમાં વિસર્જનનું પ્રમાણ વધ્યું હોવાનું જોવા મળ્યું છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ યોગ્ય બંદોબસ્તને કારણે વિસર્જન દરમિયાન ગણેશ ભક્તોને કોઈ અગવડ પડી નહોતી.
શહેરમાં રવિવારે દોઢ દિવસના ગણપતિ વિસર્જન માટે દરેક કૃત્રિમ તળાવ વિસર્જન સ્થળે નાગરિકોની સુવિધા માટે મંડપ, મોબાઈલ ટોઈલેટ અને લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અને સ્વયંસેવકોને ગણેશ ભક્તોની મદદ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. દરેક વિભાગના મદદનીશ કમિશનર અને અન્ય અધિકારીઓ પોતપોતાના વિભાગોમાં વિસર્જન સ્થળ પર હાજર રહ્યા હતા અને વિસર્જન પ્રક્રિયાને યોગ્ય રીતે પાર પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : મુંબઈમાં 69 કુદરતી અને 204 કૃત્રિમ જગ્યાએ વિસર્જનની વ્યવસ્થા સાથે પાલિકા સજ્જ
આ વર્ષે નગરપાલિકા દ્વારા તળાવોનું પ્રદૂષણ અટકાવવા માટે ૫૮ જગ્યાએ ૧૦૫ કૃત્રિમ તળાવો બનાવ્યા હતા. કુલ ૧૪,૧૮૩ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાંથી ૮,૨૬૨ ગણેશ મૂર્તિઓનું અને ૨૦ જાહેર મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું જેનું પ્રમાણ ૫૮.૩૯ ટકા હતું. બાકીની ૫,૯૦૧ મૂર્તિઓનું કુદરતી તળાવો અને દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમજ આ વર્ષે શાડુ માટીની ગણેશ મૂર્તિઓ વિસર્જનમાં મોટી સંખ્યામાં જોવા મળી હતી. કૃત્રિમ તળાવની પહેલનું આ ત્રીજું વર્ષ છે. શહેરીજનોના સ્વયંભૂ પ્રતિસાદને કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કૃત્રિમ તળાવમાં ગણેશ મૂર્તિ વિસર્જનની સંખ્યામાં વધારો થયો છે.
મ્યુનિસિપલ કમિશનર અનિલ કુમાર પવારે આગામી પાંચ દિવસીય, સાત દિવસીય, ગૌરી વિસર્જન અને અનંત ચતુર્દશીના વિસર્જન દરમિયાન નાગરિકોને કૃત્રિમ તળાવોને પ્રાધાન્ય આપવા અને પ્રકૃતિનું રક્ષણ કરવા અપીલ કરી છે. વસઈ વિરાર શહેરમાં વિવિધ સ્થળોએ કૃત્રિમ તળાવો બનાવવા અને વિસર્જન સ્થળે તમામ સુવિધાઓ પૂરી પાડવાને કારણે નાગરિકો તેમના ઘરની નજીક વિસર્જન કરી શક્યા તે માટે ઘણા નાગરિકો અને ગણેશ ભક્તોએ મહાનગરપાલિકાનો આભાર માન્યો હતો.
બંધ ખાણના પાણીમાં વિસર્જન
સોમવારે સવારે ચાર વાગ્યા સુધી ગણેશ પ્રતિમાનું પથ્થરની ખાણમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા પથ્થરની ખાણમાં વિસર્જન માટે કન્વેયર બેલ્ટની સુવિધા આપવામાં આવી હતી.
ડેપ્યુટી કમિશનર નાનાસાહેબ કામઠેએ જણાવ્યું હતું કે કન્વેયર બેલ્ટની મદદથી વિસર્જન વધુ સુવિધાજનક બન્યું, સમયનો બચાવ થયો અને ઓછા માનવબળથી વિસર્જન થયું. મ્યુનિસિપલ કમિશનર અનિલ કુમાર પવારના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર નાનાસાહેબ કામઠે, ડેપ્યુટી કમિશનર સમીર ભૂમકર, મદદનીશ કમિશનર વિશ્વનાથ તાલેકર હાજર રહ્યા હતા અને વિસર્જનની સમીક્ષા કરી હતી અને સમગ્ર વિસર્જન પ્રક્રિયા સુચારૂ રીતે પાર પાડી હતી.