મઢમાં બનાવટી નકશાના આધારે બાંધેલા ૧૪ બાંધકામ જમીનદોસ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મઢ પરિસરમાં અનધિકૃત રીતે ઊભા કરવામાં આવેલા બાંધકામના વિરોધમાં મુંબઈ મહાનગરપાલિકાની છેલ્લા બે અઠવાડિયાથી કાર્યવાહી ચાલી રહી છે, જે અંતર્ગત મંગળવારે ૧૪ બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા.
બનાવટી નકશાનો આધાર લઈને મઢ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ ઊભા થઈ ગયા છે. મંગળવારે મઢ પરિસરમાં એરંગલ અને વલનાઈમાં આવેલા ૧૪ અનધિકૃત બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા. છેલ્લા બે અઠવાડિયાથી સુધરાઈના પી-ઉત્તર વોર્ડ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે, જે હેઠળ અત્યાર સુધી ૨૪ બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. બનાવટી નકશાને આધાર લઈને છેલ્લા વર્ષ દરમ્યાન મઢમાં ૧૦૧ ગેરકાયદે બાંધકામ ઊભા થઈ ગયા હોવાનું જણાયા બાદ વારંવાર સંબંધિતોને નોટિસ આપવામાં આવી હતી. છતાં તેની તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. તેથી પાલિકાએ હવે આ બાંધકામને જમીનદોસ્ત કરી રહી છે.
ગયા અઠવાડિયામાં કરવામાં આવેલી બે કાર્યવાહી દરમ્યાન એક બંગલો અને નવ અનધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. મંગળવારે જે ૧૪ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા, તેમાં ત્રણ બાંધકામ એરંગલ પરિસરમાં ૧૯૦૦, ૧૭૦૦ અને ૬૫૦ ચોરસ ફૂટના હતા. બાકીના ૧૧ બાંધકામ વલનાઈ ગામના હોઈ તેના ક્ષેત્રફળ ૨૦૦થી ૩૦૦ ચોરસફૂટના છે.