12th Pass: લાતુરમાં દિવ્યાંગ વિદ્યાર્થીએ બારમા ધોરણમાં મેળવ્યા 78 ટકા
જન્મથી હાથ વિના પગથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીની મોટિવેશનલ સ્ટોરી વાંચો

મુંબઈઃ વ્યક્તિએ પોતાની હાથની હસ્તરેખાઓ પર હાથ રાખીને બેસી રહેવાનું નકામું છે, પરંતુ પુરુષાર્થ કરવો જોઈએ, ચોક્કસ સફળતા મળે. હિન્દીમાં કહેવાયું છે કે ‘હાથો કી લકીરો પર ભરોસા મત કરના, ક્યોંકિ તકદીર તો ઉનકી ભી હોતી હૈ, જીનકે હાથ નહીં હોતે.’

વાસ્તવમાં આ કહેવત લાતુરના વિકલાંગ વિદ્યાર્થીએ યથાર્થ કરી હતી. જન્મથી હાથ વિના જન્મેલા લાતુરના ગૌસ શેખ નામના વિદ્યાર્થીએ મહારાષ્ટ્ર બોર્ડની બારમા ધોરણની પરીક્ષા 78 ટકા (ડિસ્ટિન્ક્શન ટકા) સાથે પાર કરીને દિવ્યાંગોને નવી ઉડાન આપી હતી.
વાત કરીએ લાતુરના હોનહાર વિદ્યાર્થીની. હાથ વિના જન્મેલા ગૌસ શેખે માર્ચ મહિનામાં આયોજિત હાયર સેકન્ડરની પરીક્ષા સાથી લેખકની મદદ વિના પોતાના પગની આંગળીઓથી પેપર લખ્યા હતા. લાતુર જિલ્લાના એક નાનકડા ગામમાં ભણેલા 17 વર્ષના ગૌસ શેખે વસંતનગર ટાંડા સ્થિત રેણુકાદેવી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આ સ્કૂલમાં તેના પિતા અમજદ પટ્ટાવાળાનું કામ કરે છે.
ગૌસના પિતા અમજદે કહ્યું હતું કે ગૌસ ચાર વર્ષની નાની ઉંમરમાં લખવા-વાંચવાનું શીખ્યો હતો. પગની આંગળીઓથી લખવાનું શરુ કર્યું હતું. અભ્યાસ વખતે હાથના બદલે પગની આંગળીઓથી લખવાનું શરુ કર્યું હતું. દસમા પછી બારમા ધોરણની પરીક્ષા પણ પગથી લખીને આપી હતી, જેમાં માર્ચ મહિનામાં સાયન્સમાં 78 ટકા સાથે પરીક્ષા પાસ કરી હતી.
દિવ્યાંગ ગૌસે કહ્યું હતું કે હું અહીંથી અટકવાનો નથી. હું દિવ્યાંગ હોવા છતાં હું મારી શ્રેષ્ઠ કારકિર્દી બનાવવાની કોશિશ કરીશ. આગળ યુપીએસસીની પરીક્ષા આપવા ઈચ્છતો હોવાનું ગૌસે જણાવ્યું હતું. આઈએએસ (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિટવ સર્વિસ) અધિકારી બનવાનું સપનું હોવા અંગે ગૌસે કહ્યું હતું કે બાળપણથી મને દેશસેવા કરવાની ઈચ્છા છે, તેથી હું ખાસ કરીને આઈએએસ અધિકારી બનવા ઈચ્છું છું.
અહીં એ જણાવવાનું કે 21મી મેના મહારાષ્ટ્રમાં બારમા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સાયન્સ સ્ટ્રીમમાં 7.25 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 7.09 લાખ વિદ્યાર્થી પાસ થયા હતા.