આમચી મુંબઈ

ન્યૂ ઈન્ડિયા બૅંકમાંથી નાણાંની ઉચાપતના કેસમાં 12,634 પાનાંની ચાર્જશીટ દાખલ

આઠ આરોપીની ધરપકડ, ભાનુ દંપતી ફરાર: 167 કરોડની મિલકતને ટાંચ: છ આરોપીની તપાસ ચાલુ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ન્યૂ ઈન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં ધરપકડ કરાયેલા આઠ આરોપી અને ફરાર ભાનુ દંપતી વિરુદ્ધ આર્થિક ગુના શાખાએ 12,634 પાનાંનું આરોપનામું કોર્ટમાં દાખલ કર્યું હતું. તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ સંબંધી 167 કરોડ રૂપિયાની મિલકતને ટાંચ મારી હતી તો વધુ છ આરોપીની તપાસ ચાલી રહી છે.

બૅંકમાંથી નાણાંની ઉચાપતનો મામલો સામે આવ્યા પછી આ પ્રકરણે દાદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની વ્યાપ્તિને ધ્યાનમાં રાખી તપાસ આર્થિક ગુના શાખાને સોંપાઈ હતી.

આર્થિક ગુના શાખાએ આ કેસમાં સૌપ્રથમ બૅંકના ભૂતપૂર્વ જનરલ મૅનેજર અને અકાઉન્ટ હેડ હિતેશ પ્રવીણચંદ્ર મહેતાની ધરપકડ કરી હતી. મહેતા આ કેસનો મુખ્ય આરોપી હોવાનું પોલીસનું કહેવું છે.

આ પણ વાંચો: હજુ ઉકેલ નહીંઃ ન્યૂ ઈન્ડિયા બૅંકના ડિપોઝિટર્સનું થાણેમાં પ્રદર્શન

આ કેસમાં અત્યાર સુધીમાં મહેતા સહિત ધર્મેશ જયંતીલાલ પૌન, અભિમન્યુ સુરેન્દરકુમાર ભોન, મનોહર અરુણાચલમ મારુતુવાર, કપિલ કલ્યાણજી દેઢિયા, ઉલ્હાનાથન અરુણાચલમ, જાવેદ ઈકબાલ આઝમ મોહમ્મદ ફારુક આઝમ, રાજીવરંજન રમેશચંદ્ર પાંડેની ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં બૅંકના ભૂતપૂર્વ ચૅરમૅન હિરેન રણજિત ભાનુ અને તેની પત્ની ગૌરી ભાનુની પણ સંડોવણી સામે આવી હતી. અનેક ઠેકાણે શોધ ચલાવ્યા છતાં ભાનુ દંપતી હાથ લાગ્યા ન હોવાનું પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: 122 કરોડનું કૌભાંડઃ ન્યૂ ઈન્ડિયા બેંકે પ્રીતિ ઝિંટાને આપી ‘રાહત’, ફરી અભિનેત્રીનું નામ ઉછળ્યું…

પોલીસના જણાવ્યા મુજબ કેસમાં કથિત રીતે સંડોવાયેલા છ જણની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જરૂર પડ્યે તેમની ધરપકડની જોગવાઈ રાખવામાં આવી છે. એ સિવાય ગુનામાં ફોરેન્સિક ઓડિટ માટે ઓડિટરની નિયુક્તિની પ્રક્રિયા ચાલુ છે. તેથી ભવિષ્યમાં આ ગુનામાં મોટા પુરાવા પ્રાપ્ત થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

તપાસ દરમિયાન પંચાવન પંચનામાં કરવામાં આવ્યાં હતાં. આરોપનામામાં 53 સાક્ષીનાં નિવેદનનો સમાવેશ કરાયો છે. કોર્ટની પરવાનગી પછી સંબંધિત કલમ હેઠળ 167 કરોડ રૂપિયાની મિલકતોને ટાંચ મારવામાં આવી હતી. મુખ્ય આરોપી હિતેશ મહેતાની બ્રેઈન મેપિંગ ટેસ્ટ પણ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button