આમચી મુંબઈ

બહારના ખાવાથી ચેતજો! મુંબઇમાં 12 લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં દાખલ

મુંબઇઃ આકરા તાપના દિવસો ચાલી રહ્યા છે. એવા સમયે બહારનો, વાસી, તળેલો ખોરાક ખાવાથી આરોગ્યની સમસ્યા થઇ શકે છે, તેથી લોકોને ગરમીના સમયમાં બહારનું ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. રવિવારે મુંબઇના ગોરેગામ વિસ્તારમાં ખોરાકી ઝેરની અસરની આવી જ એક આઘાતજનક ઘટના જાણવા મળી હતી.

ગોરેગાંવ પૂર્વના વિસ્તારમાં ચીકન શોરમા ખાધા પછી બીમાર પડતા 12 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, જે લોકો બીમાર પડ્યા છે તેમને ફૂડ પોઈઝનિંગ માટે સારવાર આપવામાં આવી રહી છે. જો કે, 12 માંથી 9 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે બાકીના 3 હજુ પણ ડોકટરોના નિરીક્ષણ હેઠળ છે. અહેવાલોમાં જણાવાયું છે કે સ્ટ્રીટસાઇડ ફૂડ, ચીકન શોરમાની ગુણવત્તા સારી ન હતી જેના કારણે આ ઘટના બની હતી.

આ ઘટના પર પ્રકાશ પાડતા, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે “શુક્રવાર અને શનિવારે 12 લોકોએ ફૂડ પોઈઝનિંગની ફરિયાદ કરી હતી. તેઓને પાલિકા સંચાલિત MW દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી નવ લોકોને રજા આપવામાં આવી હતી, જ્યારે અન્ય ત્રણની સારવાર ચાલી રહી છે.” પીડિતોની ફરિયાદના આધારે ખાણીપીણીના સ્ટોલવાળા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button