રાજ્યમાં કોવિડના ૧૧૭ નવા દર્દી નોંધાયા: એકનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં ગુરુવારે કોવિડના નવા દર્દીના આંકડામાં મોટો વધારો જોવા મળ્યો હતો. બુધવારે કોવિડના ૮૭ દર્દી નોંધાયા બાદ ગુરુવારે નવા દર્દીનો આંકડો ૧૧૭ નોંધાયો હતો, જેમાં ૨૫ નવા દર્દી મુંબઈમાં નોંધાયા હતા. દિવસ દરમિયાન કોવિડથી રાજ્યમાં એકનું મૃત્યુ નોંધાયું હતું.
રાજ્યમાં ગુરુવારે ૧૨ દર્દી સાજા થયા હતા. એ સાથે જ અત્યાર સુધી કોવિડથી સાજા થયેલા દર્દીનો આંકડો ૮૦,૨૩,૪૬૮ થઈ ગયો છે. એ સાથે જ રીકવરી રેટ ૯૮.૧૮ ટકા થઈ ગયો છે. દિવસ દરમિયાન રાજ્યના ૧૨,૪૧૬ કોરોનાના ટેસ્ટ થયા હતા.
ગુરુવારે રાજ્યમાં ૧૧૭ નવા દર્દી નોંધાયા હતા. સદ્નસીબે કોરોનાના નવા વેરિયન્ટ જેએન.એકનો નવો દર્દી કોઈ નોંધાયો નહોતા. હાલ રાજ્યમાં નવા વેરિયન્ટના ૧૦ દર્દી છે. તો એક્સબીબી.૧.૧૬ વેરિયન્ટના ૧૯૭૨ દર્દી નોંધાયા છે. તેમાંથી ૧૯ દર્દીના મૃત્યુ થયા છે.
મુંબઈમાં દિવસ દરમિયાન કોરોનાના નવા ૨૫ દર્દી નોંધાયા હતા. એ સાથે જ પહેલી ડિસેમ્બરથી ૨૮ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ૧૬૧ દર્દી થઈ ગયા છે. દિવસ દરમિયાન ત્રણ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હાલ ૧૪ દર્દી હૉસ્પિટલમાં છે. મુંબઈમાં હાલ ૧૨૭ એક્ટિવ દર્દી છે.
આ દરમિયાન ગુરુવારે રાજ્યમાં નવી રચાયેલી ‘કોરોના ટાસ્ક ફોર્સ’ની સ્થાપના બાદ પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં કોરોનાના નવા ‘જેએન-એક’ આ નવો વેરિયન્ટ જોખમી નથી, છતાં નાગરિકોએ કાળજી લેવાની અને કોવિડના લગતા તમામ નિયમોનુંપાલન કરવાની અપીલ રાજ્યના આરોગ્ય પ્રધાન ડૉ. તાનાજી સાવંતે કરી હતી. આ બેઠકમાં તેમણે તમામ આરોગ્ય વિભાગના અધિકારીઓને તમામ તૈયારી સાથે સતર્ક રહેવાની સૂચના પણ આપી હતી.