ઠાકરે જૂથના નેતાના પુત્રનું મોતઃ ૧૧ આરોપી ચોથી સુધી પોલીસ કસ્ટડીમાં
પાલઘર: અર્નાળા બીચ ખાતેના રિસોર્ટમાં પિકનિક મનાવવા ગયેલા ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાના પુત્ર મિલિંદ મોરેનું વિચિત્ર સંજોગામાં થયેલા મૃત્યુ પ્રકરણે ધરપકડ કરાયેલા ૧૧ જણને ચોથી ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી છે. મિલિંદ મોરેનું કથિત ઝઘડાને કારણે મૃત્યુ થયું હતું. આ પ્રકરણે એક રિક્ષા ડ્રાઇવર, સ્થાનિક ગામવાસીઓ અને કર્મચારીઓની ધરપકડ કરાઇ હતી.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને સ્થાનિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેમને ચોથી ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓમાં વધતી આત્મહત્યા અંગે કોર્ટે સત્તાવાળાઓને શું કરી અપીલ?
મિલિંદ રવિવારે પરિવાર અને મિત્રો સાથે અર્નાળાના અનધિકૃત રિસોર્ટમાં પિકનિક મનાવવા ગયો હતો. સાંજે પાછા ફરતી વખતે તેનો અમુક રિક્ષાવાળાઓ સાથે ઝઘડો થયો હતો અને અચાનક તે પડી ગયો હતો. હાર્ટ એટેકને કારણે તેનું મૃત્યુ થયું હોવાની શંકા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
અવિભાજિત શિવસેનાના થાણે જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખ રઘુનાથ મોરેના ૪૫ વર્ષીય પુત્ર રિસોર્ટમાં હતા ત્યારે આ ઘટના બની હતી, એમ નાયબ પોલીસ કમિશનર જયંત બજબલેએ જણાવ્યું હતું. મિલિંદ મોરેના સંબંધીઓ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ દરમિયાન વસઇ-વિરાર પાલિકાએ પણ અર્નાળા બીચ ખાતેના ગેરકાયદે બાંધકામો તોડવાની શરૂઆત કરી હતી.