આમચી મુંબઈ
૧,૦૦૦ કરોડનું પોન્ઝી કૌભાંડ: ગોવિંદાની ટૂંક સમયમાં થશે પૂછપરછ
મુંબઇ : અભિનેતા ગોવિંદા ફરી એકવાર વિવાદમાં છે. ઓડિશા પોલીસ વિભાગ ટૂંક સમયમાં રૂ. ૧૦૦૦ કરોડના પોન્ઝી કૌભાંડ કેસમાં ગોવિંદાની પૂછપરછ કરી શકે છે. જો સૂત્રોનું માનીએ તો, ટૂંક સમયમાં જ ગોવિંદાને સમન્સ જારી કરવામાં આવી શકે છે અને તેને પૂછપરછ માટે ઓડિશા બોલાવવામાં આવી શકે છે. ગોવિંદાએ કેટલાક પ્રમોશનલ વીડિયોમાં પોન્ઝી સ્કેમ કંપનીનો પ્રચાર કર્યો હતો. આ કૌભાંડનો મુખ્ય આરોપી હાલમાં કસ્ટડીમાં છે. અધિકારીઓએ વાતચીતમાં જણાવ્યું કે અત્યાર સુધી સોલર ટેકનો એલાયન્સ ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટના બહાને ઘણા દેશોમાં ઓનલાઈન પોન્ઝી સ્કીમ ચલાવી રહી હતી. અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકો આ કૌભાંડનો શિકાર બની ચૂક્યા છે. કુલ મળીને બે લાખથી વધુ લોકો સાથે ૧,૦૦૦ કરોડ રૂપિયાની છેતરિંપડી કરવામાં આવી છે. આ સંબંધમાં બોલિવૂડ એક્ટર ગોવિંદાની પૂછપરછ કરવામાં આવશે. ઓરિસ્સા ઇઓડબલ્યુ એ રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી ક્રિપ્ટો ટોકનના ૪૦ વર્ષીય ગુરતેજ સિંહ સિદ્ધુની ધરપકડ કરી છે. તે પંજાબના ફરીદકોટનો રહેવાસી છે. આરોપી સિદ્ધુ વારંવાર પોતાનું લોકેશન બદલીને ગોવા, લોનાવાલા, મુંબઈ, દિલ્હી, ફરીદકોટ, ભટિંડા, હનુમાનગઢ અને શ્રી ગંગાનગર જેવા સ્થળોએ રહેતો હતો.
એફઆઈઆર નોંધાઇ નથી
જોકે ગોવિંદા સામે અત્યાર સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી, પરંતુ આ કેસમાં તેની ભૂમિકા ત્યારે જ સ્પષ્ટ થશે જ્યારે તેની પૂછપરછ કરવામાં આવશે. જો આ કેસમાં ગોવિંદા માત્ર પ્રચાર પૂરતો મર્યાદિત હોય તો ઇઓડબલ્યુ તેને સાક્ષી બનાવી
શકે છે.