મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારની 10 બેઠકોમાં બંને શિવસેનાનો દબદબો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારની 10 બેઠકોમાં સૌથી વધુ સફળતા શિવસેનાના બે જૂથોએ છ બેઠકો પર વિજય હાંસલ કરીને પોતાનો દબદબો દાખવ્યો છે. બંને જૂથોને સમાન ત્રણ-ત્રણ બેઠકો પર વિજય મળ્યો છે. ભાજપ આ 10માંથી ફક્ત બે બેઠકો પર વિજય મેળવવામાં સફળ થઈ છે. કૉંગ્રેસ અને એનસીપી-એસપીને એક એક બેઠક પર વિજય મળ્યો છે.
2019માં મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારની 10 બેઠકો પર ભાજપ શિવસેનાએ જ્વલંત વિજય મેળવ્યો હતો. આમાંથી ચાર ભાજપ અને શિવસેના (અવિભાજિત)ને છ બેઠકો પર વિજય મળ્યો હતો. આ વખતે વિભાજિત શિવસેનાના બંને જૂથોએ મળીને પોતાની છ બેઠકો જાળવી રાખી છે.
એકનાથ શિંદેની સેનાને વાયવ્ય, થાણે અને કલ્યાણમાં વિજય મળ્યો હતો તેમના અનુક્રમે રવીન્દ્ર વાયકર, નરેશ મ્હસ્કે અને શ્રીકાંત શિંદે જીતી ગયા હતા, જ્યારે શિવસેના-યુબીટીના અરવિંદ સાવંત-દક્ષિણ મુંબઈ, ઈશાન મુંબઈમાં સંજય દીના પાટીલ અને દક્ષિણ મધ્ય મુંબઈમાં અનિલ દેસાઈ વિજયી થયા છે.
ભાજપના ઉત્તર મુંબઈમાં પિયૂષ ગોયલ અને પાલઘરમાં હેમંત વિષ્ણુ સાવરાની જીત થઈ છે.
કૉંગ્રેસના વર્ષા ગાયકવાડનો ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક પરથી કસાબને ફાંસી અપાવનારા સેલિબ્રિટી વકીલ ઉજ્જવલ નિકમ સામે વિજય થયો હતો અને ભીવંડી બેઠક પર એનસીપી-શરદ પવારના ઉમેદવાર સુરેશ મ્હાત્રે (બાળ્યામામા)એ કેન્દ્રીય પ્રધાન કપિલ પાટીલને હરાવીને સનસનાટી ફેલાવી દીધી હતી.