મધ્ય રેલવેમાં વધુ 10 ફાસ્ટ ટે્રન શરૂ કરાશે
કુર્લાની શોર્ટ ડિસ્ટન્સની ટે્રનો રદ કરવાની વિચારણા
મુંબઈ: સબર્બન રેલવેની લોકલ ટે્રનોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાથી મધ્ય રેલવેમાં વધુ 10 ફાસ્ટ ટે્રનની સેવા શરૂ કરવામાં આવવાની છે. આ સાથે દાદર જેવા ભીડવાળા સ્ટેશન પરથી કલ્યાણ તરફ વધુ લોકલ ટે્રનને પણ શરૂ કરવાની સાથે પીક અવર્સ દરમિયાન મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી કુર્લાની શોર્ટ ડિસ્ટન્સની લોકલ ટે્રનોને રદ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.
દાદર સ્ટેશન પરથી રોજ ત્રણ લાખ કરતાં વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે. દાદર પશ્ચિમ અને મધ્ય રેલવેને જોડતું સ્ટેશન હોવાથી ભીડને નિયંત્રણમાં લેવા માટે રેલવે પ્રશાસનને દરેક ઉપાયો નિષ્ફળ થતાં દેખાઈ રહ્યા છે. દાદર સ્ટેશનના પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મને એકથી સાત અને મધ્ય રેલવેના પ્લેટફોર્મને આઠથી 14 એમ કુલ મળીને 14 નંબર આપવામાં આવ્યા છે.
દાદરના પ્લેટફોર્મ નંબર આઠને પહોળું કરવાનું કામ ચાલી રહ્યું છે જેને કારણે પ્લેટફોર્મ નંબર 10 અને 11 પર લોકલ ટર્મિનલ બનાવવાનો વિચારણા છે. આ ટર્મિનલ બનાવ્યા બાદ પ્લેટફોર્મ 10 અને 11 પર બંને બાજુથી પ્રવાસીઓ ઉતરતા સ્ટેશન પર ભીડ ઓછી થશે.
મધ્ય રેલવેમાં થતી ભીડને ઓછી કરવા માટે માર્ગમાં વંદે ભારત અને એસી લોકલ ટે્રનની ફેરીને વધારવાનો વિચાર અનેક મહિનાથી ચાલી રહ્યો છે. હાલમાં મુંબઈ ડિવિઝનમાં 66 એસી લોકલ દોડાવાય છે. જોકે, એસી લોકલને લીધે પીક અવર્સ દરમિયાન લોકલ ટે્રનમાં ભીડ થતી હોય છે, પણ નવા ટાઈમટેબલ મુજબ વધુ નોન-એસી લોકલ ટે્રનોને શરૂ કરવા પ્રશાસન તૈયાર નથી એવું અધિકારીએ જણાવ્યું હતું.
સીએસએમટીથી કુર્લા વચ્ચે અનેક લોકલ ટે્રનોની સેવા છે, પણ મોટાભાગે આ ટે્રનોને રદ કરવામાં આવે છે. સીએસએમટીથી કુર્લા આ અંતર ખૂબ જ ઓછું હોવાથી વધુ પ્રવાસીઓને તેનો લાભ મળતો નથી, જેથી સીએસએમટીથી કુર્લા ટે્રન સેવાને થાણે સુધી દોડાવવામાં આવે એવા પ્રસ્તાવ પર રેલવે પ્રશાસન વિચાર કરી રહ્યું છે. મધ્ય રેલવેમાર્ગમાં 270 રેક (ઈએમયુ-ઈલેક્ટ્રિકલ મલ્ટિપલ યુનિટ) ઉપયોગમાં લેવાય છે, જેમાંથી 15 ડબ્બાની 22 અને 12 ડબ્બાની 248 રેક્સનો સમાવેશ થાય છે.