આંગણવાડી સેવિકાઓને 10 લાખનો વીમો, દિવ્યાંગોને બઢતી
Cabinet Meetingમાં લેવાયા મહત્ત્વપૂર્ણ નિર્ણય
મુંબઈ: મુખ્ય પ્રધાન Eknath Shindeના નેતૃત્વ હેઠળ મંગળવારે યોજવામાં આવેલી પ્રધાનમંડળની બેઠકમાં અમુક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. સાર્વજનિક આરોગ્ય વિભાગ, પશુ સંવર્ધન વિભાગ સહિતના વિભાગો અંગે છ મોટા નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યા હતા.
પહેલો નિર્ણય આશા સ્વયંસેવિકાઓ તેમ જ આંગણવાડી સેવિકાઓને અકસ્માત વીમો આપવાનો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનારી સેવિકાઓને દસ લાખ રૂપિયા અને અકસ્માતના કારણે શારીરીક ખોટ ભોગનારી સેવિકાઓને પાંચ લાખ રૂપિયાનું અનુદાન આપવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ માટે દર વર્ષ અંદાજે 1,05,00,000 રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું હતું.
પશુપાલન કરનારાઓ માટે યોજના યથાવત
આ ઉપરાંત પશુપાલન કરનારાઓ માટે રાજે યશવંતરાવ હોળકર મહામેષ યોજના પણ શરૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના ધનગર સમાજના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી આ યોજના 2017માં શરૂ કરવામાં આવી હતી. દર વર્ષે આ યોજના માટે 29,55,00,000 રૂપિયાની જોગવાઇ કરવામાં આવે છે જે ભવિષ્યમાં પણ ચાલું રખાશે. પશુઓની ખરીદી બાબતે 75 ટકા અનુદાનની રકમ સાત દિવસમાં આ યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
આ પણ વાંચો :મોસમ બેઈમાનઃ CM Eknath Shinde એ આપ્યા તાબડતોબ આદેશ, પોલીસ સતર્ક
દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત
દિવ્યાંગ કર્મચારીઓ માટે 30 જૂન, 2016થી બઢતી માટે અનામત અમલમાં લાવવાનો નિર્ણય પણ પ્રધાન મંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. ગ્રેડ ડીથી ગ્રેડ એના પદ પર રહેલા દિવ્યાંગ કર્મચારીઓમાટે ચાર ટકા અનામત 30 જાન્યુઆરી 2016ની તારીખથી લાગુ કરવામાં આવશે. 30 જૂન, 2016થી ફરજમાં રહેલા દિવ્યાંગ અધિકારી કે કર્મચારીઓ જે બઢતી માટે પાત્ર ઠરશે તેમને આઅનામતનો લાભ આપવામાં આવશે.
પાકને નુકસાનનું વળતર ચૂકવવામાં પારદર્શકતા
ખેડૂતોના પાકને નુકસાન થયું છે કે નહીં તેનો નિર્ણય ઝડપથી થાય અને નુકસાનનું વળતર વધુ પારદર્શક રીતે અને અચૂક રીતે થાય એ માટે સિસ્ટમ વિકસાવવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો.
અદાલતી અધિકારીઓ માટે ભાડા પર મકાન
જ્યુડિશિયલ ઓફિસર્સ એટલે કે અદાલતી અધિકારીઓ માટે 51 ટકા મકાનો ભાડે ઉપલબ્ધ કરાવવા અંગેનો નિર્ણય પ્રધાન મંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. મઝગાંવ પરિસરની પારિજાત બિલ્ડીંગમાં 16, કેદાર બિલ્ડીંગમાં 3 એમ કુલ 19 મકાનો 19 અધિકારીઓ માટે અને નવા નિર્માણ થયેલા પદોનેધ્યાનમાં રાખીને 32 મકાનો એમ કુલ 51 મકાનો ઓક્ટોબર 2024થી ઓકટોબર 2027 ત્રણ વર્ષની મુદત માટે ભાડા પર લેવામાં આવશે. એક મકાનનું ભાડું 1,20,000 હોઇ 51 મકાન માટે વર્ષના 7,34,00,000 રૂપિયાનો ખર્ચ આ માટે મંજૂર કરવામાં આવ્યો.
એમઆઇડીસીના વિસ્તાર માટે 16 હેક્ટર જમીન
નાશિકમાં ઔબડ ખાતે એમઆઇડીસી(મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)ના વિસ્તાર માટે 16 હેક્ટરની સરકારી જમીન વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ જમીનની કિંમત 24,02,40,000 રૂપિયા છે જે વિનામૂલ્યે એમઆઇડીસીને સોંપવામાં આવશે.