ઝવેરીબજારમાં દુકાનનું તાળું તોડી ૧૦ લાખની રોકડની ચોરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઝવેરીબજારમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી તિજોરીમાં રાખેલા ૧૦ લાખ રૂપિયા ચોરીને અજાણ્યો શખસ ફરાર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.ભાયખલામાં રહેતા અને ઝવેરીબજાર સ્થિત શેખ મેમણ સ્ટ્રીટ ખાતે સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા વેપારી સુતારામ માલે (૫૦)એ આ પ્રકરણે એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સોમવારે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પોલીસ ફરિયાદ અનુસાર વેપારીએ રોજ પ્રમાણે શનિવારે રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસ દુકાન બંધ કરી હતી. રવિવારે વેપારી પરિવાર સાથે ભુલેશ્ર્વર ગયા હતા. બપોરના સમયે કામ નિમિત્તે દુકાને ગયા ત્યારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.દુકાનની લોખંડની ગ્રીલનું તાળું તૂટેલું હતું. કબાટનું લૉક તોડી તિજોરીમાં રાખેલી ૧૦ લાખની રોકડ ચોરાઈ હોવાનું વેપારીના ધ્યાનમાં આવ્યું હતું. વેપારીએ તેમના મોટા પુત્રને ફોન કરી દુકાને બોલાવ્યો હતો અને ઘટનાની જાણ કરી હતી.