મુંબઇના મલાડમાં અશોકના 10 વૃક્ષોનું ગેરકાયદે નિકંદન: એક્ટિવિસ્ટે કરી મુખ્ય પ્રધાનને ફરિયાદ
મુંબઇના મલાડમાં અશોકના 10 વૃક્ષોનું ગેરકાયદે નિકંદન: એક્ટિવિસ્ટે કરી મુખ્ય પ્રધાનને ફરિયાદ
મુંબઇ: મલાડ પૂર્વમાં લિંકરોડ પર આવેલ એક હાઉસિંગ સોસાયટી દ્વારા અશોકના 10 વૃક્ષોની ગેરકાયદે છટણી કરવામાં આવી છે એમ કહી આ બાબતે મુંબઇના એક્ટિવિસ્ટ અને વૃક્ષ પ્રેમીએ મુંબઇ મહાનગરપાલિકા, રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને એનીમલ હસ્બન્ડરી ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી છે.
આ બાબતે ડો. નંદીની કુલકર્ણીને પાલિકાના ગાર્ડન ડિપાર્ટમેન્ટના પી-નોર્થ વિભાગ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે આ ફરિયાદની નોંધ લઇ વિભાગ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવશે.
ડો. કુલકરર્ણીએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ કપાયેલા વૃક્ષોમાંથી એક વૃક્ષ એવું છે જેમાં પક્ષીનો માળો સાફ સાફ દેખાઇ રહ્યો છે. તેમણે કહ્યુ કે, 4 સપ્ટેમ્બરના રોજ સલાડ લિંકરોડ પર આવેલ પાલિકાના માર્કેટ પાસેની પારિજાત નામની બિલ્ડીંગ દ્વારા સુંદર અને મોટા મોટા એવા દસ અશોકના ઝાડની છટણી કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, પૂછપરછ કરતાં મને જ આઘાત લાગ્યો કે આટલા બધા વૃક્ષોની છટણી કરતાં પહેલાં તેમણે કોઇ પણ પરવાનગી લીધી નથી. મેં આ અંગે મુખ્ય પ્રધાન, મુંબઇ મહાનગરપાલિકા, એનીમલ હસ્બન્ડરી, બાંગુરનગર પોલીસ સ્ટેશન અને મહારાષ્ટ્ર એનીમલ વેલફેર બોર્ડમાં પણ ફરીયાદ કરી છે કારણ કે આ વૃક્ષોની છટણીને કારણે પક્ષીઓના માળાને પણ નૂકસાન થયું છે.
હાલમાં મારી અને મારા જેવા વૃક્ષ પ્રેમીઓની કોંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડ સાથે લાંબી વાતચીત થઇ હતી. અમે વિરોધ કરીએ છીએ કારણ કે વૃક્ષો માત્ર આપણને ઓક્સીજન જ આપે છે એમ નથી. પણ આ વૃક્ષો ઘણા પક્ષીઓ, કિટકો અને જીવજંતુઓનો ખોરાક અને ઘર છે. તેથી વૃક્ષો બચાવવા જરુરી છે એમ ડો. કુલકર્ણીએ જણાવ્યું હતું.