આમચી મુંબઈ

ટાસ્ક ફ્રોડમાં ફૅશન ડિઝાઈનર પાસેથી ૧૦.૫૦ લાખ રૂપિયા પડાવ્યા

મુંબઈ: ટાસ્ક ફ્રોડમાં ફૅશન ડિઝાઈનર પાસેથી ૧૦.૫૦ લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવાના કેસમાં વેસ્ટર્ન રિજન સાયબર પોલીસે બે જણની ધરપકડ કરી હતી.

વિલેપાર્લેમાં રહેતી ૪૬ વર્ષની મહિલા ફૅશન ડિઝાઈનરની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી સુમિત ગુપ્તા (૩૬) અને પાર્થ પંચાલ (૨૫)ની ધરપકડ કરી હતી. ગુપ્તા કાંજુર માર્ગનો અને પંચાલ બદલાપુરનો રહેવાસી હોવાનું અધિકારીનું કહેવું છે.

આ પ્રકરણે સાયબર પોલીસે ૭ એપ્રિલે ગુનો નોંધ્યો હતો. યુટ્યૂબના વીડિયો લાઈક કરવાનું કહેવામાં આવ્યા પછી ફરિયાદી મહિલાને ટેલિગ્રામ ચૅનલમાં એડ કરવામાં આવી હતી. શરૂઆતમાં વીડિયો લાઈક કરવા માટે મહિલાના બૅન્ક ખાતામાં અમુક રકમ જમા કરાવવામાં આવી હતી. બાદમાં મહિલાનો વિશ્ર્વાસ કેળવી ઈ-વૉલેટ દ્વારા રોકાણ પર ૩૦થી ૪૦ ટકા નફાની લાલચ આપવામાં આવી હતી. રોકાણ કરેલી રકમ પરનો નફો ઈ-વૉલેટ એકાઉન્ટમાં જમા થતો હોવાનું મહિલાને દર્શાવાયું હતું. જોકે એ રકમ બૅન્ક ખાતામાં જમા કરવાનો પ્રયત્ન મહિલાએ કર્યો ત્યારે રૂપિયા ટ્રાન્સફર થયા નહોતા. બાદમાં વિવિધ કારણો રજૂ કરી આરોપીએ વધુ રૂપિયા પડાવ્યા હતા. આખરે પોતે છેતરાઈ હોવાની જાણ થતાં મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આરોપી પંચાલની અગાઉ ગુજરાત પોલીસે પણ ધરપકડ કરી હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button