અકસ્માતમાં મૃત્યુ પામનારાના કુટુંબને 1.49 કરોડ રૂપિયાનું વળતર

થાણે: નાશિક નજીક રસ્તા ઉપર અકસ્માતમાં જીવ ગુમાવનારી વ્યક્તિના કુટુંબીજનોને 1.49 કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ(એમએસીટી)એ આપ્યો છે.
10 નવેમ્બર, 2018માં થયેલા અકસ્માતમાં 39 વર્ષના નિલેશ જોશી મૃત્યુ પામ્યા હતા. સિન્નર-શિર્ડી રોડ ઉપર આવેલા પેટ્રોલ પમ્પની નજીક નિલેશની એસયુવી કારને બસે ટક્કર મારી હતી.
નિલેશ એક પ્રાઇવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફર્મમાં કામ કરતા હતા અને તેમનું મૃત્યુ થયું ત્યારે તેમનો પગાર મહિને એક લાખ રૂપિયા હતો. આ ઉપરાંત અન્ય એક ક્ધસલ્ટન્સીની નોકરીથી તે મહિનાના 75,000 રૂપિયા કમાતા હોવાનું નિલેશના કુટુંબીજનો એમએસીટીને જણાવ્યું હતું.
12 ફેબ્રુઆરીના રોજ એમએસીટીએ આપેલા આદેશમાં જે બસથી અકસ્માત થયો તે બસના માલિક અને યુનાઇટેડ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડને નિલેશના કુટુંબીજનોને જે દિવસે અરજી દાખલ કરવામાં આવી તે દિવસથી માંડીને આદેશના દિવસ સુધી 7.50 ટકાના વ્યાજ સહિત 1.49 કરોડ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ આપ્યો હતો.
નિલેશ જોશીના પત્ની દિપાલી અને અન્ય કુટુંબીજનોએ એમએસીટીમાં અરજી દાખલ કરી હતી અને તે બોરીવલીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.