મિક્સર ગ્રાઈન્ડરમાં સંતાડીને લવાયેલું 1.21 કરોડનું સોનું ઍરપોર્ટ પર પકડાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કસ્ટમ્સના ઍર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ના અધિકારીઓએ મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી જેદ્દાહથી આવેલા પ્રવાસીને તાબામાં લઈ 1.21 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. મિક્સર ગ્રાઈન્ડર અને પૂંઠાના બૉક્સમાં સંતાડીને સોનાની તસ્કરી કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
એઆઈયુએ ધરપકડ કરેલા આરોપીની ઓળખ દક્ષિણ મુંબઈના ચિંચબદર પરિસરમાં રહેતા સલાહુદ્દીન અમીર (30) તરીકે થઈ હતી. અમીર શુક્રવારે જેદ્દાહથી મુંબઈ આવ્યો હતો.
ઍરપોર્ટ પર સ્ક્રીનિંગ વખતે અધિકારીઓને શંકા જતાં પ્રવાસીના સામાનની તપાસ કરવામાં આવી હતી. તેની પાસેથી અંદાજે 1.10 કરોડથી વધુના મૂલ્યના સોનાના ચાર ટુકડા અને 10.18 લાખની કિંમતની સોનાની બે બંગડી મળી આવી હતી. પ્રવાસી પાસેથી 1.21 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હોવાનું અધિકારીનું કહેવું છે.”
અધિકારીના જણાવ્યા મુજબ સોનાની બંગડીઓ પૂંઠાના એક બૉક્સમાં સંતાડવામાં આવી હતી, જ્યારે સોનાના ચાર ટુકડા મિક્સર ગ્રાઈન્ડરમાં સંતાડવામાં આવ્યા હતા. પ્રવાસીનું નિવેદન નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણે એઆઈયુ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.