ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડની ઉચાપત: મલાડના વેપારી અરુણભાઇ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી

મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં આર્થિક ગુના શાખાએ મલાડના વેપારી ઉન્નનાથન અરુણાચલમ ઉર્ફે અરુણભાઇ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે. આ કેસમાં ધરપકડ કરાયેલા બેન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર અને એકાઉન્ટ્સ હૅડ હિતેશ મહેતાએ અરુણભાઇને 40 કરોડ રૂપિયા આપ્યા હતા, એવું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકમાં 122 કરોડની ઉચાપત: ભૂતપૂર્વ જનરલ મેનેજરની ધરપકડ
પોલીસની ટીમ બાદમાં અરુણભાઇના માલવણી ખાતેના નિવાસસ્થાને ગઇ હતી, પણ તે ત્યાં મળી આવ્યો નહોતો. સોલાર પૅનલના વેપારીને 40 કરોડ રૂપિયા શા માટે આપ્યા હતા, તે જાણવા માટે મહેતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં આર્થિક ગુના શાખાએ મહેતા ઉપરાંત ઓમ સાઇ સબુરી અને ધર્મેશ રિયલટર્સ એલએલપીના ડિરેક્ટર ધર્મેશ જયંતીલાલ પૌનની પણ ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહેતાએ 2016માં ધર્મેશ પાસેથી ફ્લેટ ખરીદ્યો હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે મહેતા તેની ઓફિસમાંથી રોકડ લઇને બેગમાં રાખતો હતો અને કારમાં પોતાના ઘરે જતો હતો. આ રોકડ બાદમાં તે પડોશીને આપતો હતો, જે ધર્મેશનો કર્મચારી હતો. આ રોકડ બાદમાં ધર્મેશ સુધી પહોંચતી હતી. આ રીતે મહેતાએ ઓછામાં ઓછા 100 વખત ધર્મેશને રૂપિયા આપ્યા હતા, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના શાખા બૅંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર અને એકાઉન્ટસ હૅડ હિતેશ પ્રવીણચંદ્ર મહેતા પર લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવાની પ્લાનિંગ કરી રહી છે. આમાટે પોલીસ તમામ કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને ટૂંક સમયમાં કોર્ટમાં અરજી કરી શકે છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે કાનૂની સલાહ લેવામાં આવી રહી છે અને તમામ કાનૂની પ્રક્રિયા બાદ મહેતા પર ટેસ્ટ કરવામાં આવશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હિતેશ મહેતા તપાસમાં સહકાર આપી નથી રહ્યો. એ સિવાય વ્યવહાર રોકડમાં થયા હોવાથી એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
આ કેસમાં આર્થિક ગુના શાખાએ કાંદિવલીના ડેવલર ધર્મેશ પૌનની પણ ધરપકડ કરી છે. ધર્મેશ પૌન પર હિતેશ પાસેથી 70 કરોડની ‘લોન’ લેવાનો અને તેની ચુકવણી કરવાનો આરોપ છે. જોકે ધર્મેશે આ આરોપને નકારી કાઢ્યા છે.
ઉલ્લેખનીય છે કે ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકની પ્રભાદેવી તથા ગોરેગામ બ્રાન્ચમાંથી 2020થી 2025 દરમિયાન 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં શનિવારે હિતેશ મહેતાની ધરપકડ કરાઇ હતી. બૅંકના એક્ટિંગ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર દેવર્ષી ઘોષની ફરિયાદને આધારે દાદર પોલીસ સ્ટેશનમાં હિતેશ અને તેના સાથીદાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.