કાલબાદેવીના વેપારી સાથે ₹ ૭૬.૫૦ લાખની છેતરપિંડી
મુંબઈ: કાલબાદેવીના વેપારી પાસેથી રૂ. ૭૬.૫૦ લાખની કિંમતની ૧૨૩ કિલો કાચી ચાંદી લઇને તેની લગડીઓ ન બનાવી આપીને છેતરપિંડી આચરવા પ્રકરણે એલ.ટી. માર્ગ પોલીસે મીરા રોડમાં રહેતા અને કાંદિવલી પશ્ર્ચિમમાં દુકાન ધરાવતા વેપારીની ધરપકડ કરી હતી. વેપારીની ઓળખ રમેશ બચુભાઇ સતીકુમાર સોની (૬૦) તરીકે થઇ હોઇ સ્થાનિક કોર્ટે તેને ૩૧ જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી ફટકારી હતી.
કાલબાદેવીમાં ભાગીદારીમાં દુકાન ધરાવતો મકરંદ પરિહાર બજારમાંના પરિચિત વેપારીઓ પાસેથી કાચી તેમ જ શુદ્ધ ચાંદી (પાટલા) સ્વીકાર્યા બાદ તેને રિફાઇન્ડ કરવા માટે રમેશ સોનીને આપતો હતો. રમેશ ચાંદીને રિફાઇન્ડ કરતો હતો અને રમેશ પાસેથી કંપનીના હોલમાર્ક ધરાવતી ચાંદીની લગડીઓ લઇને પરિહાર તેને પોતાની દુકાનમાં વેચવા માટે રાખતો હતો. પરિહારનો આઠ મહિનાથી રમેશ સાથે વ્યવહાર ચાલી રહ્યો હતો.
ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પરિહારે સોનીને ૧૨૩ કિલો શુદ્ધ ચાંદી રિફાઇન્ડ માટે આપી હતી. જોકે સોનીએ તેને રિફાઇન્ડ કરીને તથા હોલમાર્ક કરાવીને લગડી બનાવી આપી નહોતી. આથી પરિહારે પૂછપરછ કરતાં સોનીએ આર્થિક મુશ્કેલીમાં હોવાનું કહીંને સમય માગ્યો હતો. જોકે બાદમાં તે ઉડાઉ જવાબ આપવા લાગ્યો હતો. દરમિયાન પરિહારે સોનીનો સંપર્ક સાધતા તેનો મોબાઇલ બંધ હતો. આથી પરિહાર સોનીની દુકાને ગયો ત્યારે તેની દુકાન બંધ હોવાનું જણાયું હતું. સોનીએ છેતરપિંડી આચરી હોવાનુ ધ્યાનમાં આવતાં પરિહારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.