આરોગ્ય સુવિધાઓ માટે એશિયન બૅન્ક તરફથી ₹ ૪,૧૦૦ કરોડની નાણાકીય સહાય
મુંબઈ: મહારાષ્ટ્રમાં આરોગ્ય સેવાઓને મજબૂત કરવા અને નવી મેડિકલ કૉલેજો નિર્માણ કરવા માટે એશિયન ડેવલપમેન્ટ બૅન્ક દ્વારા ૪,૧૦૦ કરોડ રૂપિયા આપવામાં આવશે.
એશિયન ડેવલપમેન્ટ બૅન્કના બોર્ડે આવી નાણાકીય સહાયને મંજૂરી આપી છે. સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલમાં અલગ પોસ્ટ ગ્રેજ્યુએટ (પીજી) કોર્સ શરૂ કરવા તેમજ સુપર સ્પેશિયાલિટી કોલેજ શરૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
આ ફંડનો હેતુ ૨૦૩૦ સુધીમાં રાજ્યમાં સામાન્ય માણસને સસ્તી તબીબી સેવાઓ પૂરી પાડવા અને તબીબી ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સેવા માનવબળ પ્રદાન કરવાનો છે. જ્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં સરકાર આવી ત્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સાત નવેમ્બર, ૨૦૨૨ના રોજ એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે આ વિષય અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં આ પ્રસ્તાવને વેગ મળ્યો હતો. કેન્દ્ર સરકાર પણ આ અંગે સતત ફોલોઅપ કરી રહી હતી.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે આ નિર્ણય લેવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણનો આભાર માન્યો હતો. તેણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો પણ આભાર માન્યો છે.