આમચી મુંબઈ

શિંદેની કૅબિનેટે સરકારી કચેરીઓને સહકારી બૅન્કો સાથે વ્યવહાર કરવાની છૂટ આપી

થાણેમાં ક્લસ્ટર હાઉસિંગ સહિત આઠ મહત્ત્વના નિર્ણયો લેવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે રાજ્યની સરકારી કચેરીઓને મહારાષ્ટ્ર રાજ્ય કો ઓપરેટિવ બેંક સાથે આર્થિક વ્યવહારો કરવાની છૂટ આપી છે, એમ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ એકનાથ શિંદેએ રાજ્ય સરકારના જાહેર ઉપક્રમો દ્વારા બેંકમાં કરવામાં આવેલા રોકાણોને પણ માન્યતા આપી હતી.

આ ઉપરાંત સહકાર ક્ષેત્રમાં બેંકના વલણને ધ્યાનમાં રાખીને માન્યતા આપવામાં આવી હોવાનું અખબારી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ બેંકની નેટ વર્થ રૂ. ૪,૦૦૦ કરોડથી વધુ છે અને છેલ્લા પાંચ વર્ષથી સળંગ નફો નોંધાવી રહી છે.

ઓડિટરોએ બેંકને એ શ્રેણીમાં વર્ગીકૃત કરી છે અને તેના પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી.

આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં આઠ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાં થાણેમાં ક્લસ્ટર હાઉસિંગ પ્રોજેક્ટ અમલમાં મૂકીને સામાન્ય લોકોને પરવડી શકે એવી કિંમતે ઘરો ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે.

રાજ્યની કોટન મિલો સરળતાથી ચાલે તે માટે મહત્ત્વનો નિર્ણય લેતાં આગામી પાંચ વર્ષ સુધી આ મિલોની લોન પરનું વ્યાજ રાજ્ય સરકાર ભરશે. કોરાડીમાં સુપર ક્રિટીકલ ટેકનોલોજી પર આધારિત પાવર પ્રોજેક્ટને માન્યતા આપવામાં આવી હતી.

ઈમારત અને બાંધકામ ખાતાના કામગારો માટે કલ્યાણકારી યોજનાનો લાભ ઝડપથી આપવા માટે કામગાર નિયમોમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બાર્ટી, સારથી, મહજ્યોતી, અમૃત વગેરે સંસ્થાના કાર્યક્રમમાં સમાનતા લાવવા માટે નીતિ ઘડી કાઢવામાં આવી હતી.

રાજ્યમાં ચાર ચેરિટી જોઈન્ટ કમિશનરના પદ નિર્માણ કરવાનો અને અહમદનગર જિલ્લામાં નવી વેટરનરી કોલેજ સ્થાપવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button