આમચી મુંબઈ

શહેરને કદરૂપું બનાવતા બૅનરોને મુદ્દે સુધરાઈ મુંબઈ પોલીસને શરણે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ઠેર ઠેર ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતા હૉર્ડિંગોને રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકા હવે મુંબઈ પોલીસની મદદ લેવાની છે. મુંબઈમાં ખાસ કરીને તહેવારોના સમયમાં મંજૂરી વગર બેનરો લગાડવાનું પ્રમાણ વધી જતું હોય છે. તેથી રાત-મધરાતે ગેરકાયદે રીતે બેનર લગાડી જનારાઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરો એવી માગણી સુધરાઈ પત્ર લખીને મુંબઈ પોલીસ સમક્ષ કરવાની હોવાનું પાલિકાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.


મુંબઈને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે, જે હેઠળ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે પહેલી સપ્ટેમ્બરના સંબંધિત વિભાગના અધિકારીઓને તમામ ગેરકાયદે બેનર, પોસ્ટર, હૉર્ડિંગ્સને કાઢી નાખવાનો આદેશ આપ્યો હતા. તે મુજબ સુધરાઈએ પહેલી સપ્ટેમ્બરથી ખાસ ઝુંબેશ હાથ ધરીને કાર્યવાહી ચાલુ કરી છે.
આ ઝુંબેશ હેઠળ પહેલી સપ્ટેમ્બરથી ચાર સપ્ટેમ્બરના સમયગાળામાં મુંબઈના ૨૪ વોર્ડમાં કુલ ૬,૯૦૮ ગેરકાયદે બેનર, બોર્ડ, પોસ્ટર અને ઝંડા સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સૌથી ૩,૧૫૧ રાજ્કીય, ૨,૬૯૬ ધાર્મિક અને ૫૬૧ કમર્શિયલ ગેરકાયદેસરના બેનર, બોર્ડ, પોસ્ટર લગાડેલા મળ્યા હતા. એ સિવાય વિવિધ પ્રકારના ૫૦૦ ઝંડા પણ હસ્તગત કરવામાં આવ્યા હતા.


સુધરાઈએ ખાસ ઝુંબેશ હાથ ધરીને કાર્યવાહી કરી હોવા છતાં દહીહાંડીના તહેવાર નિમિત્તે મુંબઈમાં મોટા પ્રમાણમાં ઠેરઠેર હૉર્ડિંગ અને બૅનરો લગાડેલા જોવા મળી રહ્યા છે. તેથી ચાર દિવસ દરમિયાન સુધરાઈના કર્મચારીઓએ કરેલી મહેનત પાણીમાં ગઈ છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ ગેરકાયદે હૉર્ડિંગ્સ અને બેનરોને પાલિકા જપ્ત કરી લે છે. પરંતુ તેને ગેરકાયદેસર રીતે લગાડનારા સામે પોલીસે કાર્યવાહી કરવાની આવશ્યકતા છે. ૨૦૧૭માં આ સંદર્ભનો કોર્ટનો આદેશ પણ છે. તે મુજબ હૉર્ડિંગ લગાડનારા સામે ગુનો દાખલ કરવાનું કહેવામાં આવ્યું છે. છતાં કોઈને કોઈ કારણસર પોલીસ દ્વારા તેમની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. તેથી પોલીસ દ્વારા આવા લોકો સામે આકરા પગલાં લેવામાં આવે તે માટે મુંબઈ પોલીસ કમિશનરને જ પત્ર મોકલવવામાં આવવાનો છે.


નોંધનીય છે કે જુલાઈ, ૨૦૨૩માં પાલિકાના અમુક વોર્ડ સ્તરે હૉર્ડિંગ લગાડવા મંજૂરી આપનારા લાઈસન્સ વિભાગ તરફથી પોલીસને પણ તેમની સામે પગલાં લેવા સંદર્ભમાં પત્ર મોકલવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button