મુંબઈ સહિત થાણેમાં ધૂમધામથી દહીંહાંડીની ઊજવણી
સાંજ સુધીમાં મુંબઈમાં ૭૭ અને થાણેમાં ૧૧ ગોવિંદા જખમી
જય જવાન મંડળ દ્વારા થાણેમાં કરાયેલી નવ થરની દહીંહાંડી. (અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત થાણેમાં ગુરુવારે વરસાદ વચ્ચે દહીંહાંડીની ઊજવણી ભારે ધૂમધામ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગોવિંદાઓ મટકી ફોડવા સવારથી જ નીકળી પડ્યા હતા, જેમાં થર લગાવતા સમયે ઉપરથી નીચે પડવાને કારણે અનેક ગોવિંદાઓ જખમી થયા હતા. સાંજના છ વાગ્યા સુધીમાં મુંબઈમાં ૭૭ તો થાણેમાં ૧૧ ગોવિંદાઓ જખમી થયા હતા અને તેમને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
સવારથી મુંબઈ, થાણે સહિત નવી મુંબઈના વિસ્તારમાં ટ્રકની ટ્રક ભરીને ગોવિંદા મંડળો દહીહાંડી ફોડવા માટે નીકળી પડ્યા હતા. મુંબઈના પરેલ, લાલબાગ, વરલી, દાદર, ભાંડુપ, મુલુંડ, ગોરેગાંવ અને અંધેરી જેવા વિસ્તારમાં લાખો રૂપિયાના ઈનામ સાથેની દહીંહાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી નજીક હોઈ અનેક રાજકીય પક્ષો સહિત રાજકીય નેતાઓએ લાખો રૂપિયાના ઈનામ સાથેની દહીંહાંડીનું આયોજન મુંબઈ સહિત થાણે અને નવી મુંબઈમાં કર્યું હતું.
દહીહાંડીની ઊજવણીમાં અનેક બોલીવૂડ સહિત મરાઠી ફિલ્મ અને નાટ્ય ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારોએ ભાગ લીધો હતો. થાણેમાં પણ લાખો રૂપિયાની દહીંહાંડીનુંં હંમેશ મુજબ આયોજન કરવામાં આવ્યું હતુંં, જેમાં મુંબઈના બે મંડળોએ નવ થર લગાવીને સલામી આપીને લાખો રૂપિયાના ઈનામ જીતી લીધા હતા.
મટકી ફોડવા માટે થર લગાવતા સમયે ઉપરથી નીચે પડવાને કારણે ગોવિંદાઓ જખમી થવાના પણ અનેક બનાવ બન્યા હતા, જેમાં જખમી ગોવિંદાઓ માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈની જુદી જુદી હૉસ્પિટલોમાં ખાસ ૧૨૫ બેડ અનામત રાખ્યા હતા. સાંજે છ વાગ્યા સુધી આપેલા આંકડા મુજબ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ૭૭ ગોવિંદાઓ જખમી થયા હતા.
તેમને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સદ્નસીબે કોઈ ગોવિંદા ગંભીર રીતે જખમી થયો નહોતો.
પાલિકાએ આપેલા આંકડા મુજબ સાંજના છ વાગ્યા સુધીમાં પરેલની કે.ઈ.એમ. હૉસ્પિટલમાં ૨૬ જખમી ગોવિંદાઓને લાવવામાં આવ્યા હતા, જેમાંથી ચારને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૪ ગોવિંદાઓ પર સારવાર ચાલી રહી છે. સાયન હૉસ્પિટલમાં સાત જખમી ગોવિંદા પર સારવાર ચાલી રહી છે. મુંબઈ સેન્ટ્રલની નાયર હૉસ્પિટલમાં ત્રણ જખમી ગોવિંદા પર સારવાર ચાલી રહી છે, જેમાંથી એકને દાખલ કરવામાં આવ્યો હતો. બેને ઓપીડીમાં સારવાર આપી રજા આપવામાં આવી હતી. જે.જે. હૉસ્પિટલમાં ચાર જખમી ગોવિંદાઓને લાવવામાં આવ્યા હતા, તેમાંથી બે ગોવિંદા પર સારવાર ચાલી રહી છે, તો બેને રજા આપી દેવામાં આવી હતી. સેંટ જ્યોર્જ હૉસ્પિટલમાં એક જખમી ગોવિંદાને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જી.ટી. હૉસ્પિટલમાં બેને ઓપીડીમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
પોદ્દાર હૉસ્પિટલમાં ચાર જખમી ગોવિંદાને લાવવામાં આવ્યા હતા, તેમાંથી ત્રણને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એકને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. બૉમ્બે હૉસ્પિટલમાં એક ગોવિંદાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં આઠ જખમી ગોવિંદાને લાવવામાં આવ્યા હતા, તેમાંથી બેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક પર સારવાર ચાલી રહી છે અને પાંચને રજા આપી દેવામાં આવી હતી. કુર્લાની શતાબ્દીમાં બે, બાંદ્રાની ભાભા હૉસ્પિટલમાં બે જખમી અને વી.એન. દેસાઈ હૉસ્પિટલમાં બે જખમી, કૂપરમાં ચાર અને ભગવતી હૉસ્પિટલ ચાર જખમીને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. ભાભા હૉસ્પિટલમાં સાત જખમીમાંથી એકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તો છને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.