આમચી મુંબઈ

મુંબઈમાં શુક્રવારે ત્રણ ઇંચ વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત આજુબાજુના શહેરોમાં સતત બીજા દિવસે પણ વરસાદ ચાલુ જ રહ્યો હતો, જોકે ગુરુવારની સરખાણીમાં શુક્રવારે વરસાદનું જોર થોડું ઓછું રહ્યું હતું. જોકે હવામાન ખાતાએ અગાઉ શુક્રવારના યલો ઍલર્ટ જાહેર કર્યું હતું, તે ચેતવણીને અપગ્રેડ કરીને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.
મુંબઈમાં સતત બીજા દિવસે સવારથી ભારે વરસાદ રહ્યો હતો. જોકે શહેરની સરખાણીમાં ઉપનગરમાં વરસાદનું જોર વધુ રહ્યું હતું અને તેને કારણે અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને પાણી ભરાઈ જવાને કારણે થોડા સમય માટે અંધેરી સબ-વેને ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. અનેક જગ્યાએ ઝાડ અને ઘરની દીવાલ તૂટી પડવાના તથા શોર્ટ સર્કિટના બનાવ પણ નોંધાયા હતા. સવારથી સાંજ સુધીમાં મુંબઈમાં લગભગ ત્રણ ઈંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હતો.
શુક્રવારે પણ સમગ્ર દિવસ વરસાદ ચાલુ જ રહ્યો હતો. મુંબઈમાં ગુરુવાર સવારના ૮.૩૦ વાગ્યાથી શુક્રવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં ૧૧૧ મિ.મિ. (સાડા ચાર ઈંચ) જેટલો વરસાદ નોંધાયો હતો. તો શુક્રવાર સવારના ૮ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં કોલાબામાં ૪૬.૦ મિ.મિ. અને સાંતાક્રુઝમાં ૭૦.૩ મિ.મિ. જેટલો વરસાદ નોંધાયો હતો.
ભારતીય હવામાન ખાતાએ તેની પાંચ દિવસની આગાહીમાં જણાવ્યું હતું કે શનિવારથી વરસાદની તીવ્રતા ઘટશે અને ગ્રીન ઍલર્ટ આપ્યું હતું. જોકે થાણે, પાલઘર અને રાયગઢ વિસ્તાર માટે શનિવારે માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના દર્શાવે છે.
ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઓડિશાના મધ્ય ભાગ સહિત નજીકના છત્તીસગઢમાં સર્જાયેલા સર્ક્યુલેશનને કારણે વરસાદ પડ્યો હતો, જે હવે શુક્રવારથી દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ પર સરકી છે.
ખાનગી હવામાન સંસ્થા સાથે સંકળાયેલા નિષ્ણાતના કહેવા મુજબ પાંચ સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડી પર ઉત્તર-પશ્ર્ચિમ નજીક પશ્ર્ચિમ-મધ્યમ ભાગમાં લો પ્રેશર સર્જાયું હતું જે ચક્રાવાતમાં ફેરવાઈને નબળું પડ્યું હતું. પરંતુ તે એટલું મજબૂત હતું કે સમગ્ર પ્રદેશમાં નોંધપાત્ર વરસાદ થઈ શકે.
અન્ય ખાનગી હવામાન સંસ્થા સાથે સંકળાયેલા નિષ્ણાતના કહેવા મુજબ સિસ્ટમ મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગમાં હતી તેથી શહેરના પશ્ર્ચિમ અને પૂર્વી ભાગમાં વધુ વરસાદની પ્રવૃત્તિ જોવા મળી હતી. ૧૦ સપ્ટેમ્બર સુધી આ પ્રવૃત્તિ ચાલુ રહેશે અને ત્યાર પછી તે ઠંડી પડશે.
થાણેમાંં નાળા પર રહેલી સુરક્ષા ભીંત તૂટી પડી
દરમિયાન, ભારે વરસાદને કારણે થાણે જિલ્લાના મુંબ્રામાં ગુરુવારે બપોરના એક નાળા પર રહેલી સુરક્ષા ભીંત તૂટી પડવાની દુર્ઘટના બની હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ મુંબ્રામાં રેતી બંદર દત્ત ચોક નંબર ૩, મસ્જિદની પાછળ, રાના નગરમાં આવેલી એક નાળાની ૨૦ ફૂટ લંબાઈ અને ચાર ફૂટ ઊંચી ભીંત તૂટી પડી હતી. નાળાની ભીંતને અડીને આવેલા ઘરની ભીંત પણ તેને કારણે તૂટી પડી હતી. શુક્રવારે બપોરના લગભગ ૧.૩૨ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી.
ભીંત તૂટી પડવાથી તેનો બાકીનો હિ સ્સો જોખમી હાલતમાં છે. તેથી પાલિકાએ એ હિસ્સાને બંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?