મુંબઈનો જોશ: ‘લાઇફલાઇન’માં નોરતાની ઉજવણી
મુંબઈ: મુંબઈ પંચરંગી લોકોની નગરી ગણાય છે, તેથી જ મુંબઈની લોકલ ટ્રેનમાં તેની છાંટ અચૂક જોવા મળે છે. દરેક તહેવારોની ઉજવણી મુંબઈની લોકલ ટ્રેનમાં પણ અચૂક કરવામાં આવતી હોય છે. મુંબઈગરાની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓએ નવમા નોરતા અને દશેરા પર્વની હોંશે હોંશે ઉજવણી કરી હતી, જેમાં લોકોએ ટ્રેનમાં આરતી કરીને મીઠાઈની વહેંચણી કરી હતી.
લોકલ ટ્રેનના મોટરમેન દ્વારા ટ્રેનની પૂજા કરી હતી. એના સિવાય મધ્ય અને પશ્ચિમ રેલવેમાં અનેક ગ્રુપ દ્વારા લોકલ ટ્રેનમાં હાર તોરા કરીને પ્રવાસીઓએ ગરબા ગાઈને મોજ કરી હતી. અગાઉ ગરબાની મોજ કરવા સાથે આજે સવારે મધ્ય રેલવેમાં કલ્યાણ-સીએસએમટી એસી લોકલમાં પ્રવાસીઓના એક ગ્રુપે ટ્રેનને અંદરથી શણગારી હતી અને માતાજીની આરતી કરવા સાથે લોકો માતાજીના ગરબાના તાલે ઝૂમ્યા હતા. આ અંગે ગ્રુપના અતુલ ધરમશીએ કહ્યું હતું કે અમે લોકોએ આજે દશેરાની એડવાન્સમાં ઉજવણી કરી હતી. આજે સવારે ૮.૫૪ કલ્યાણ સીએસએમટી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારાનું પચાસથી લોકોનું ગ્રૃપ છે, જેમાં મોટાભાગના લોકો હાજર રહીને દશેરાની ઉજવણી કરી હતી. અમારા ગ્રુપમાં યુવાનોથી લઈને મહિલાઓ અને વૃદ્ધ લોકો છે. દરેક વર્ગના લોકો કલ્યાણથી ભાયખલા અને સીએસએમટી સુધી ટ્રાવેલ કરીએ છીએ. અમારા ગ્રુપમાં દિલીપ નાગડા, દિલીપ ગોસર, ઉમંગ નાગડા, ભાવેશ ગડા સહિત અન્ય સભ્યો છે, જેમાં મોટાભાગના કલ્યાણ, ડોંબિવલી, થાણેના રહેવાસી છે. એસી લોકલ સિવાય નોન એસી લોકલમાં પણ પ્રવાસીઓએ ટ્રેનમાં મસ્ત મજાની શણગારીને લોકોએ માતાજીના ગરબાના તાલે ઝૂમીને મોજ કરી હતી.
મુંબઈની લોકલ ટ્રેનમાં રોજના ૬૦ લાખથી વધુ લોકો પ્રવાસ કરે છે, જ્યારે ત્રણ હજારથી વધુ લોકલ ટ્રેનની સર્વિસ દોડાવાય છે.